રાજકોટમાં આગામી ગણેશ મહોત્સવને અનુલક્ષીને શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધાનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ તૈયાર કરતા આયોજકને અનુક્રમે રૂ.5 લાખ, બીજા ક્રમે રૂ.3 લાખ અને ત્રીજા ક્રમે આવનારને રૂ.1.50 લાખનો રોકડ પુરસ્કાર આપવાનું વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે 22થી 26 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. આ ઉપરાંત તા. 29 ઓગસ્ટના મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમીતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થાય છે, ત્યારે રાજકોટમાં દરેક સ્કૂલમાં સ્પોર્ટસ ઇવેન્ટ, હોકી સ્પર્ધા, 30 ઓગસ્ટના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વોલીબોલ અને રસ્સા ખેંચ સ્પર્ધા રાખવામાં આવશે. 31 ઓગસ્ટના ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના ઉપલક્ષમાં રાજકોટ મહાનગર પાલિકા તથા નગરપાલિકા કક્ષાએ CYCLE ON SUNDAYનું આયોજન કરવામાં આવશે.
29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાશે રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, તા. 29 ઓગસ્ટના મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમીતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લામાં 28 ઓગસ્ટે પ્રી ઇવેન્ટ સેલીબ્રેશન યોજાશે. જેમાં રેસકોર્સ રીંગ રોડ ખાતે DLSS ના 300 વિદ્યાર્થીઓ દ્વારા પ્રી ઇવેન્ટ રેલીનું આયોજન કરવામાં આવશે. જ્યારે 29 ઓગસ્ટના ફીટ ઇન્ડીયા અંગે શપથ લેવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાનુ આયોજન મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે થશે. જેમા 4 ટીમના 44 સભ્યો ભાગ લેશે.
દરેક સ્કુલમાં સ્પોર્ટ્સની વિવિધ ઇવેન્ટનું આયોજન થશે. RMC વિસ્તારની 934 સ્કુલના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેશે. જીલ્લાની અન્ય 1682 સ્કુલના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ જુડો સ્પર્ધાનુ આયોજન કરેલ છે જેમાં 250 વિદ્યાર્થીઓ ભાગ લેશે. જ્યારે મારવાડી યુનિવર્સીટી ખાતે ફીટનેશ ચેલેન્જનું આયોજન કરાયું છે. જેમાં 300 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ ઉપરાંત આર.કે યુનિવર્સીટી દ્વારા 29,30 અને 31 ઓગસ્ટના રોજ અલગ અલગ એક્ટીવીટીનુ આયોજન કરેલ છે. જેમા 200 વિદ્યાર્થીઓ ભાગ લેશે.