રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ભાવિકો ગણપતિમય બન્યા છે. ઠેર ઠેર ગણેશ પંડાલોમાં તેમજ વિઘ્નહર્તા એવા બાપા ઘરે ઘરે બિરાજમાન થયા છે. ગણપતિબાપાને પ્રિય એવા લાડુ અર્પણ કરી ભાવિકો તેમની મનોકામના પૂર્ણ કરે છે. બાપાને પ્રસાદમાં જો મોદક ધરવામાં ન આવે તો ભક્તિ અધૂરી ગણાય છે. ત્યારે પહેલા ચૂરમા કે મોતીચૂરના લાડુ જ બનતા હતા, પરંતુ છેલ્લા એક દશકાથી શહેરમાં ગણપતિ મહોત્સવનું મહત્ત્વ વધી જતા બાપાને પ્રસાદી રૂપે એક જ પ્રકારના મોદક અર્પણ કરવાને બદલે 11 દિવસ અલગ અલગ પ્રકારના મોદકની પ્રસાદી ભાવિકો અર્પણ કરી રહ્યાં છે. જેને કારણે મોદક બનાવતા ડેરી ફાર્મના અને મીઠાઇના વેપારીઓ પણ વિવિધ પ્રકારના મોદક તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે.
મીઠાઇના વેપારી રિતેશભાઇ પાનસુરિયાએ જણાવ્યું કે, અમે કેસર, ગુલકંદ બદામ, અંજીર કાજુ, બટરસ્કોચ, સ્ટ્રોબેરી મેંગો, વેનીલા ડ્રાયફ્રૂટ સહિત 20 પ્રકારના મોદક બનાવી વેચાણ કરી રહ્યાં છે. બાપાને પ્રસાદીરૂપે ધરવામાં આવતા ભાવિકો રોજ અલગ અલગ વેરાઇટીના મોદક લઇ જાય છે. વિવિધ પ્રકારના મોદકનો બજારમાં રૂ.300થી લઇ 1 હજાર સુધીનો ભાવ છે. જ્યારે ધાર્મિક ઉત્સવો સમજે જ મીઠાઇ બનાવી વેચાણ કરતા વેપારી હિરેનભાઇ ખખ્ખરે જણાવ્યું કે, ભાવિકોમાં મોહનથાળના, મગજના, ચૂરમાના, ટોપરાના, ડ્રાયફ્રૂટના, માવાના અને બુંદીના મોદકની માંગ છે. બાપાને છપ્પનભોગ ધરવા સમયે ભાવિકો તમામ પ્રકારના મોદકનો સમાવેશ કરે છે.