ગણતરીના દિવસોમાં રાજકોટ મનપાનું પ્રસ્તાવિત બજેટ

રાજકોટ મહાપાલિકાની આર્થિક સ્થિતિ હાલ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તિજોરીના તળિયા દેખાવા લાગતા હવે શહેરના વિકાસકામો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે પ્રજા પર મોટો કરબોજ ઝીંકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તરફ અમૃત 2.0 યોજના જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે મનપાને રૂ. 200 કરોડની લોન લેવાની નોબત આવી છે, તો બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાણી પુરવઠા જેવા વિભાગોમાં આવક અને ખર્ચ વચ્ચેનું ગાબડું સતત વધી રહ્યું છે. ત્યારે સંભવત: આગામી શનિવારે કે સોમવારે રજૂ થનારા પ્રસ્તાવિત બજેટમાં મ્યુ. કમિશનર પ્રજા ઉપર વધારાનો કરબોજ ઝીંકે તેવી પૂરતી શક્યતા છે. જોકે ચૂંટણી માથે હોવાથી શાસકો આ વધારાને મહદઅંશે ફગાવશે તેવું પણ લાગી રહ્યું છે. તેમજ દિવ્યાંગો માટે ગાર્ડન સહિતની નવી યોજનાઓ બજેટમાં જોવા મળે તેવી સંભાવના છે.

મહાનગરપાલિકાની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો પ્રોજેક્ટ મુખ્ય ગણાય છે. અગાઉ જે કામગીરી વાર્ષિક રૂ. 35 કરોડના ખર્ચે થતી હતી, તેમાં રૂ. 90 કરોડનો તોતિંગ વધારો કરીને નવો કોન્ટ્રાક્ટ વાર્ષિક રૂ. 120 કરોડના ખર્ચે આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કુલ રૂ. 1107 કરોડનો હોવાનું જાણવા મળે છે. કરાર મુજબ દર વર્ષે આ ખર્ચમાં 5%નો વધારો થશે, જેનો અર્થ એ છે કે દર વર્ષે મનપા પર રૂ. 1200 કરોડનો વધારાનો બોજ પડતો રહેશે. આ આર્થિક ભારણ આખરે પ્રજાની પીઠ પર જ આવવાનું છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા ખર્ચ છતાં બજેટમાં જાહેર થયેલા 115 ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવાની યોજના માત્ર કાગળ પર રહી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *