સાયબર ફ્રોડના બનાવોમાં વધુ એક ઘટના સામે આવી છે. ત્યારે એક વેપારીના ખાતામાં ગઠિયાએ પૈસા જમા કરી ઉપાડી લીધા બાદમાં વેપારીએ બેંકમાં જાણ કરી તેનું ખાતુ બ્લોક કરાવતા ધમકી આપી હતી.
જેમાં મોરબી રોડ બેડી યાર્ડના વેપારીના બેંકના ખાતામાં બે વખત મળી 58 હજાર જેવી રકમ જમા થઇ હતી. થોડા સમયમાં જ બેંકમાંથી મેસેજ આવ્યો હતો કે તેના ખાતામાંથી 60 હજાર ઉપડ્યા છે.
આથી ખબર પડી હતી કે, 58 હજાર જમા કરાવનારે જ ફ્રોડ કરી બાકીના બે હજાર જે વેપારીના ખાતામાં હતાં તે પણ ઉપાડી લીધા છે.
ફ્રોડ થયાની ખબર પડતાં બેંકમાં જાણ કરતાં બેંક દ્વારા આ ગઠિયાની રકમ 58 હજાર કે જે તેણે જમા કરાવી હતી તે બ્લોક થઇ ગઇ હતી. આથી તેણે વેપારીને સતત ગાળો, ધમકી આપવાનું ચાલુ કરતાં ફરિયાદ થઇ હતી.
આ બનાવમાં રેફ્યુજી કોલોની પાસે શ્રદ્ધા શક્તિ સોસાયટીમાં રહેતા ગોપીચંદ તોતલમલ મંગલાણી(ઉ.વ.48)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મોરબી રોડ પર બેડી યાર્ડમાં વેપાર કરે છે.
મંગળવારે બપોરે પોણા ત્રણેક વાગ્યે તે ઘરે હતો ત્યારે તેના ફોનમાં મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં કોઇ અજાણ્યાએ તેના બેંક એકાઉન્ટમાં રૂ.49,999 જમા કરાવ્યા હોવાની વિગત હતી.
ત્યારબાદ બીજો મેસેજ સવા ત્રણ આસપાસ આવ્યો હતો, જેમાં ફરી તેના એકાઉન્ટમાં રૂ.8 હજાર જમા થયાની વિગત હતી. આ પછી ત્રીજો મેસેજ બેંક તરફથી આવ્યો હતો અને તેમાં બેંક એકાઉન્ટમાંથી 60 હજાર ઉપડી ગયાનો મેસેજ હતો.