મિઝોરમમાં મતગણતરી 3 ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચે આ માહિતી આપી છે. રાજ્યની 40 બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થયું હતું, મતગણતરી 3 ડિસેમ્બર એટલે કે રવિવારે થવાની હતી. એનજીઓ કોઓર્ડિનેશન કમિટી (NGOCC), સેન્ટ્રલ યંગ મિઝો એસોસિએશન (CYMA) અને મિઝો જીરાલાઈ પોલ (MZP) જેવી સંસ્થાઓ 3 ડિસેમ્બરે મતગણતરીનો વિરોધ કરી રહી હતી.
હકીકતમાં, મિઝોરમમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો રહે છે. રવિવાર ખ્રિસ્તીઓ માટે પવિત્ર દિવસ છે અને ખ્રિસ્તી સમુદાય ઘણા ધાર્મિક કાર્યક્રમો કરે છે. મતગણતરીના કારણે ફેરફાર કરવો પડશે, તેથી આ દિવસે રાજ્યમાં મતગણતરી હાથ ધરવામાં ન આવે તેવી માગ કરવામાં આવી રહી હતી. રાજ્યની કુલ વસતિ લગભગ 11 લાખ છે, જેમાંથી 9.56 લાખ ખ્રિસ્તીઓ છે.
મતગણતરીનો દિવસ બદલવા માટે કેટલાય દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. શુક્રવારે (1 ડિસેમ્બર) આ લોકોએ રાજભવન પાસે રેલી યોજી હતી. જેમાં એનજીઓસીસીના અધ્યક્ષ લાલહ્મ છુઆનાએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો કે રાજકીય પક્ષો, ચર્ચ અને એનજીઓએ મતગણતરીની તારીખ બદલવા માટે ચૂંટણી પંચને ઘણી વખત અપીલ કરી હતી, પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં.