મીરા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં પરિવારનો એક વર્ષનો બાળક કલી હનીફભાઇ અંસારી ગઈકાલે સાંજે ઘરે રમતો હતો, ત્યારે દીકરો જોવા ન મળતા માતાએ તપાસ કરતાં તે પાણી ભરેલી ડોલમાં ડૂબેલો મળતાં દેકારો મચાવ્યો હતો. જેથી આસપાસના લોકો એકઠા થઇ જતાં બાળકને સારવાર માટે બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડયો હતો, પરંતુ અહિ તેને તપાસી મૃત જાહેર કરી બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ખોડિયાર મંદિરમાંથી માતાજીનો મુકુટ ચોરી રાજકોટ ગાંધીગ્રામ પોલીસ ટીમ ચોરીના ગુના ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમી આધારે શીતલ પાર્ક ટોઇંગ સ્ટેશન નજીક એક શખસને સકંજામાં લીધો હતો. તેની પાસેથી સોનાનો મુકુટ મળતાં આ મામલે તેની આકરી પુછતાછ કરતાં લોહાનગરમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કર્યાનું કબુલતા કરી હતી. પોલીસે મુકુટ કબ્જે કરી પુછપરછ કરતા આ શખસે પોતાનું નામ વિજય બહાદુરભાઇ સોલંકી (ઉ.વ.46) જણાવ્યું હતું.
ગત મંગળવારે વિજયએ મંદિરમાં ઘુસી માતાજીની મુર્તિ પરથી 35.590 ગ્રામ વજનનો 4.50 લાખનો સોનાનો મુકુટ ચોરી લીધો હતો. વિજયએ રટણ કર્યુ હતું કે પોતે કેશીયો પાર્ટીમાં કામ કરે છે, પરંતુ હાલમાં ધંધામાં મંદી હોઇ અને પૈસાની જરૂર હોવાથી મંદિરમાં ચોરી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ દારૂ, વાહનચોરી સહીત ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સગીરાનો એસીડ પી આપઘાતનો પ્રયાસ રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર એરપોર્ટ નજીક આવેલા કુચિયાદડ ગામે રહેતી સગીરા તેના મોબાઈલમાં રિલ્સ જોતી હતી, ત્યારે તેમના માતાએ તેમને સુઈ જવાનું કહેતા તેણીને લાગી આવ્યું હતું અને કોઈ પણ જાતના વિચાર કર્યા વગર એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સગીરા એક ભાઈ બે બહેનમાં નાની હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.