ખોખડદળ અને કોઠારિયામાં ખેતીની જમીન પર 2 પાર્ટી પ્લોટ બનાવી દેવાયા

રાજકોટ જિલ્લામાં ખેતીની જમીન પર પાર્ટી પ્લોટ ઊભા કરીને તેને ભાડે આપી મસમોટી કમાણી કરનારા પાર્ટી પ્લોટના સંચાલકો સામે જિલ્લા વહીવટી તંત્રએ આકરી કાર્યવાહી કરી છે. ખોખડદળ ગામે ગ્રીન એપલ પાર્ટી પ્લોટ અને કોઠારિયામાં બીલીપત્ર પાર્ટી પ્લોટના સંચાલકે ખેતીની જમીન પર પાર્ટી પ્લોટ ઊભો કરી તેનો ઉપયોગ કોમર્સિયલ હેતુ માટે કરતા હતા. પાર્ટી પ્લોટમાં રૂમ,મકાન, રસોડું તથા ગોડાઉન પણ બનાવી લીધું હતું.

આ અંગેની વિગત મુજબ રાજકોટ તાલુકાના ખોખડદળ ગામના સરવે નં.192ની 22663 ચોરસ મીટર જમીન સરકારી રેકર્ડ પર ખેતીના હેતુ માટે નોંધાયેલી છે. જેના કબજેદાર કરશનભાઈ ગાંડુભાઈ શિયાણી તથા અન્યો છે. આ જમીન ગ્રીન એપલ પાર્ટી પ્લોટના નામથી કોમર્સિયલ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું ધ્યાને આવતા પ્રાંત અધિકારી-2ને સરવે કરી કાર્યવાહી કરવા સૂચના કલેક્ટરે આપી હતી. તપાસ દરમિયાન આ જમીનનો વર્ષ 2019થી કોમર્સિયલ હેતુ સાથે પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરાતો હતો. તેમજ પાર્ટી પ્લોટ માટે જમીન પર રૂમ, મકાન, રસોડું તથા ગોડાઉન પણ બનાવવામાં આવેલું હોવાનું જણાયું હતું.

ખેતીની જમીનનો બિન અધિકૃત બિનખેતી તરીકે ઉપયોગ કરવા બદલ શરતભંગ થવાથી કલેક્ટર દ્વારા 22663 ચોરસ મીટર. જમીન પૈકીની 10,530 ચોરસમીટર પાર્ટી પ્લોટ તરીકે વપરાશમાં લેવામાં આવતી જમીનને પ્રતિ ચો.મી. લેખે વાર્ષિક બિનખેતી આકારી એક વર્ષના શરતભંગના દંડ બદલ રૂ.2,73,800 પ્રમાણે સાત વર્ષના સમયગાળા માટે રૂ.19,16,600 દંડ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *