રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરોટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત U-17 બોયઝ (રાજકોટ રૂરલ) ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનાં ફાઈનલ્સમાં S.G.V.P રીબડા સ્કૂલની ટીમે અદભૂત ટીમવર્ક દ્વારા પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે રનર-અપ તરીકે ગોંડલની ગંગોત્રી સ્કૂલની ટીમે ઉત્કૃષ્ટ રમત દેખાડીને દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું અને સેકન્ડ રનર-અપ તરીકે D.P.S ની ટીમે સતત પ્રયત્ન, શિસ્ત અને નિષ્ઠાના આધારે તૃતીય સ્થાન મેળવ્યું હતું. રાજકોટ જિલ્લામાં રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આવા કાર્યક્રમો સતત આયોજિત થતા રહે છે, જેનાથી યુવાઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને આરોગ્યમય જીવનશૈલીનો વિકાસ થાય છે.
અન્ય સમાચાર રાજકોટમાં આવતીકાલ તા. 25-11ના રોજ સાધુ વાસવાણી મીટલેસ ડે નિમિત્તે મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ-મટન-મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા ઉપર મહાપાલિકાએ પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ GPMC એકટ 1949ની કલમ 329 અને 336 તથા બાયલોઝ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર તુષાર સુમેરાએ યાદીમાં જણાવ્યું છે.
રાજકોટમાં રવિવારે UPSC ની પરીક્ષા, 913 ઉમેદવારો એક્ઝામ આપશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આગામી તા.30ને રવિવારે એકાઉન્ટન્ટ સહિત વિવિધ કેડરની પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટ કેન્દ્રમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે સેન્ટર ઉપરાંત આઈપી મિશન અને કેન્દ્રીય વિદ્યાલય મળી કુલ ચાર સેન્ટર પરથી આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. 913 જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં બેસનાર છે. પરીક્ષા સેન્ટરો પરથી સવારના 9-30થી 11-30 કલાકે આ સ્પર્ધાત્મક કસોટીનું પેપર લેવામાં આવનાર છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિની કોઈ ઘટના ન બને તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે યુપીએસસીની આ સ્પર્ધાત્મક પરીક્ષા રાજકોટ સહિત દેશભરના નિયત કરેલા કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે. આ પરીક્ષા અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.