સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામે વાડીમાં રહી મજૂરીકામ કરતાં દંપતીના બે વર્ષના પુત્રને શ્વાને ફાડી ખાતાં બાળકનું મોત નીપજ્યું છે. પુત્રનાં મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામે નથુભાઈ સાનિયાની વાડીમાં રહી મજૂરીકામ કરતાં મૂળ એમપીના વતની કમલ કટારા અને તેના પત્ની કમલા કટારાના બે વર્ષના પુત્ર રાજેશને ગત તા.5ના બપોરે બે વાગ્યા આસપાસ વાડીમાં પાથરણું પાથરી સુવડાવીને દંપતી વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે, એકાએક એક શ્વાન વાડીમાં ધસી આવ્યું હતું અને ઊંઘી રહેલા બાળક પર હુમલો કર્યો હતો.
બાળકને ગંભીર રીતે ફાડી ખાધું હતું. આ સિવાય નજીકમાં રમી રહેલા અન્ય મજૂરના બાળક પર પણ હુમલો કરી તેને પણ ઇજાગ્રસ્ત કર્યો હતો. બાળકોનો દેકારો સાંભળી તેમના વાલી અને નજીકમાં કામ કરતાં અન્ય મજૂરો પણ દોડી આવ્યા હતા. કૂતરાંને લાકડીથી માર મારતા તેનું પણ મોત નીપજ્યું હતું. બંને બાળકોને તાત્કાલિક ગંભીર હાલતમાં પ્રાથમિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
રાજેશની હાલત વધુ ગંભીર જણાતા બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે બાળકે દમ તોડી દેતા પુત્રના મૃત્યુથી માતા-પિતા બંને પર આભ તૂટી પડ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મૂળી પોલીસને કરતાં પોલીસે બનાવની વધુ તપાસ કરી છે. પોલીસે જણાવ્યા મુજબ, મૃતક બાળક બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.