એક જ દિવસમાં ભાદર ડેમ નીચે આવેલા ચેકડેમમાંથી પાણી ખેંચવા માટે ગોઠવેલી 10 મોટરની ચોરી થયાની અને સાથે ઇલેક્ટ્રિક કેબલ અને પાણીની પાઇપ કાપીને ચોરો નાસી ગયાની ઘટના ગોંડલના લીલાખા પાસે બની છે. લીલાખાના ખેડૂત ઉદવહન સિંચાઈ મંડળીના ખેડૂતોએ પોલીસમાં અરજી કરી છે કે ભાદર ડેમની નીચે લીલાખા પાસે દેવળા રોડ પરના પુલ નજીકથી 10 જેટલી પાણીની મોટર ચોરીને ચોર નાસી છૂટ્યા છે. આશરે હાલની કિંમત પ્રમાણે 5 લાખના મુદામાલની ચોરી થઈ છે જેમાં મોટર સાથે ઇલેક્ટ્રોનિક કેબલની ચોરી તેમજ પાણીના પાઇપ કાપી નાખવામાં આવ્યા છે. ભાદર ડેમમાંથી પાણી ખેડૂતોના ખેતરમાં પિયત માટે જતું હતું પરંતુ હવે મોટર ચોરી થતાં હાલાકી ભોગવવી પડી રહી છે.
આ પહેલા પણ મોટર ચોરીના અનેક બનાવ સામે આવ્યા છે. ગ્રામજનોએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવની જાણ કરી છે. કિરીટભાઈ રવજીભાઈ ધામેલીયા, રસિકભાઈ પરસોત્તમભાઈ ઢોલરીયા, સુરેશભાઈ મગનભાઈ ઢોલરીયા, કિશોરભાઈ ભગવાનજીભાઈ વાઘમશી, જીજ્ઞેશભાઈ પોપટભાઈ ધામેલીયા, જીતુભાઈ બાબુભાઈ ધામેલીયા, અશ્વિનભાઈ છગનભાઈ ડોબરીયા, હરશુખભાઇ કુરજીભાઈ ડોબરીયા, અરવિંદભાઈ છગનભાઇ ડોબરીયા, અશોકભાઈ ગાંગજીભાઇ ધામેલીયા સહિતના ખેડૂતોએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જઈને ચોરીની અરજી કરી હતી અને ઝડપી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.