ખેડૂતો પાસેથી અરજીના રૂ.100 લેતા સુલતાનપુરના VCEને છૂટો કરાયો

રાજ્યમાં થોડા સમય અગાઉ પડેલા કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકાર રૂ.10 હજાર કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોની વહારે આવી છે. આ સહાય માટે હાલ અરજીઓ કરવાની પ્રક્રિયા શરૂ છે. આ માટે ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો લેવાનો નથી. અરજી માટે થતા ખર્ચના નાણાં પણ ગુજરાત સરકાર ચૂકવે છે. જોકે ગોંડલના સુલતાનપુરમાં વી.સી.ઈ.(કમ્પ્યૂટર ઓપરેટર) ખેડૂતો પાસેથી અરજી કરવા અરજી દીઠ રૂ.100 લેતા હોવાની બાબત સામે આવતા, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક પગલાં લઇ સંબંધિત વી.સી.ઈ. ને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ કરાયો છે.

કૃષિ રાહત પેકેજ-2025 અંતર્ગત સહાય મેળવવા માટે ખેડૂત ખાતેદારોએ વી.સી.ઇ. મારફત ઓનલાઈન અરજી કરવાની રહે છે. વી.સી.ઇ.ને ડેટા એન્ટ્રી માટે પ્રતિ અરજી દીઠ રૂ.20 રાજ્ય બજેટમાંથી ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું છે. વી.સી.ઇ.એ લાભાર્થી પાસે સહાયની અરજી પેટે કોઈ પણ રકમની માગણી કરવાની રહેતી નથી. ત્યારે ગોંડલના સુલતાનપુરના વી.સી.ઈ. શિવભાઈ માલાભાઈ ગોંડલિયા પાક નુકસાનીના વળતરના ફોર્મ ભરવા માટે, દરેક ફોર્મના રૂ.100 લેતા હોવાની ફરિયાદ ઊઠી હતી.

આ બાબત ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા તપાસ કરાતા વી.સી.ઈ. અરજીઓ માટે નાણાં લેતા હોવાનું સામે આવતા, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને તાત્કાલિક છૂટા કરવાની કાર્યવાહી કરવાનો આદેશ ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને કરાયો છે. ઉપરાંત ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે નિયમોનુસારની ફોજદારી કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *