મગફળીની મોટાપાયે ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ સરકાર દ્વારા ઘઉં અને તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી હતી. જેમાં તુવેરની ખરીદી પૂરી થઇ જતા ગત તા.17મીથી પોર્ટલ બંધ કરી દેવાયું છે જ્યારે ઘઉંમાં ટેકાના ભાવે વેચવામાં ખેડૂતોએ ઓછો રસ દાખવતા રજિસ્ટ્રેશનની મુદ્દત 5મી એપ્રિલ સુધી લંબાવાઇ છે. તેમજ ચણામાં પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે હાલ નોંધણી ચાલુ છે અને ટૂંક સમયમાં કેન્દ્રો ખોલાશે. બીજીબાજુ તુવેર કેન્દ્રો બંધ કરી દેવાતા ટેકાના ભાવે માલ ન વેચી શકનાર ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. બીજીબાજુ ચેરમેન જયેશ બોઘરાએ આજે સવારથી બેડી યાર્ડ ખાતે ઘઉંનું વેચાણ કેન્દ્ર ચાલુ કરવાની જાહેરાત કરી છે.
ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, તુવેરનો દર વર્ષે સિઝનમાં રૂ.1800થી 2000 પ્રતિ મણ ભાવ હોય છે. પરંતુ સરકારે આ વર્ષે વિદેશથી કઠોળની આયાતની છૂટછાટ આપતા તુવેરના ભાવ પ્રતિ મણ રૂ.1510થી નીચે ઉતરી ગયા છે. જ્યારે એકધારા વરસાદને કારણે તુવેરનો પાક બજારમાં મોડો આવ્યો છે. આથી સરકારે અગાઉ તુવેરના ખરીદ કેન્દ્રો 17 માર્ચ સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી હોવાથી ખેડૂતોએ કૃષિમંત્રી અને નાફેડ સમક્ષ કેન્દ્રો 31મી માર્ચ સુધી ચાલુ રાખવા રજૂઆત કરી હતી. જેનો મૌખિક સ્વીકાર કરાયા બાદ 17મીએ રાત્રે 12.00 વાગ્યાથી તુવેરની ખરીદી બંધ કરી દેવાઇ છે.
જેના પરિણામે રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને તુવેરના પાકનો ઉતાર મોડો થતા તેઓ માલ વેચી શક્યા નથી. બીજીબાજુ સરકારે ઘઉંના પાકની ખરીદી માટે રૂ.2425 પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ રાખ્યો છે. જેના પરિણામે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 350 રજિસ્ટ્રેશન થતા સરકારે નાછુટકે રજિસ્ટ્રેશનની મુદ્દત લંબાવી પડી છે. જો કે સૂત્રોએ જણાવ્યા અનુસાર ખુલ્લી બજારમાં ઘઉના રૂ.500થી વધુ પ્રતિ મણ ભાવ ઉપજતા હોવાથી મોટાભાગના ખેડૂતોને ટેકાના ભાવે ઘઉં વેંચવામાં રસ નથી તેથી રજિસ્ટ્રેશન ઘટયા છે.