પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે 9 અને 10 મેના રોજ થયેલી હિંસા પર કડક વલણ અપનાવવાનું ચાલુ રાખ્યું છે. બુધવારે ઇન્ફોર્મેશન મિનિસ્ટર આમિર મીરે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ઈમરાન ખાનના જમાનપાર્કવાળા ઘરમાં 40 આતંકવાદી હાજર છે. જો ઈમરાન ખાને 24 કલાકમાં પોલીસને એ આતંકવાદીઓ હવાલે ના કર્યા તો તેઓ એક્શન માટે તૈયાર રહે.’
મીરના આ નિવેદન પછી તરત જ પેરામિલિટરી ફોર્સ (પાકિસ્તાની રેન્જર્સ)એ ખાનના ઘરને ચારેય તરફથી ઘેરી લીધું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ફોર્સ પણ ઓપરેશન માટે તૈયાર છે. 18 માર્ચે જ્યારે પોલીસ ખાનની ધરપકડ કરવા ગઈ ત્યારે તેમના પણ ઘણા હુમલાઓ થયા હતા. પેટ્રોલ-બોમ્બ ઉપરાંત ફાયરિંગ કર્યું હતું, જેમાં 63 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
દરમિયાન ઇસ્લામાબાદ હાઇકોર્ટે એકવાર ઇમરાન પર દયા દાખવી. બુધવારે તેમના પ્રોટેક્ટિવ જામીન 31 મે સુધી લંબાવવામાં આવ્યા હતા. જોકે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)એ ખાનને 18 મેના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં NAB દ્વારા ખાનની 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.