સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 9 મેથી શરૂ થયેલી આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા 18 મે સુધી એટલે કે 10 દિવસ ચાલવાની છે, પરંતુ સૌથી મોટી અને મહત્ત્વની બાબત એ છે કે, જેટલા સમયમાં જીકાસ દ્વારા કોલેજોમાં એડમિશન પ્રક્રિયા કરવામાં આવે છે એટલે સમયમાં તો ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના કન્ફર્મ એડમિશન થઇ ગયા હોય છે અને ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજોમાં બેઠકો ખાલી રહેવા પામે છે.
ગયા વર્ષે પણ જીકાસની પ્રવેશ પ્રક્રિયામાં વિવાદ થયા હતા અને સમયસર પ્રક્રિયા પૂર્ણ થઇ શકી ન હતી. તે સમયે પણ કોલેજોમાં એડમિશન થાય તે પહેલાં ખાનગી યુનિવર્સિટીઓમાં એડમિશન થઇ ગયા હતા. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને તો જ્યાં સૌથી પહેલાં અને કન્ફર્મ એડમિશન મળે ત્યાં તેઓ પ્રવેશ લઇ લેતા હોય છે. એટલા માટે જ ખાનગી યુનિવર્સિટીઓના એડમિશન સૌથી પહેલાં ફુલ થઇ જાય છે જ્યારે અન્ય કોલેજોમાં બેઠકો ખાલી રહે છે.
રાજ્યમાં બીએ, બીકોમ, બીએસ.સી., બીસીએ, બીબીએ સહિતના કોર્સમાં વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન મળી રહે છે. કુલ જગ્યા સામે 50 ટકા વિદ્યાર્થી જ પ્રવેશપાત્ર હોય છે. ત્યારે આ GCAS પોર્ટલની જરૂરિયાત શું છે અને વિદ્યાર્થીઓ શા માટે રૂ.300 ભરવાના? સવાલો જરૂર ઊઠી રહ્યા છે.