ખાનગી મેળા માટે મનપામાં એક જ ટેન્ડર આવ્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના તહેવારમાં ત્રણ મેદાન ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું, પરંતુ તેમાં ફક્ત એક જ ટેન્ડર કોરા કાગળ સાથેનું ભરાઇને આવતા હવે 10 દિવસની મુદત સાથે શોર્ટ ટર્મ ટેન્ડર કરવા નિર્ણય કરાયો છે. રાઇડ્સ માટેની રાજ્ય સરકારની એસઓપીનું ચુસ્ત પાલન કરાવવાની ભીતિએ હજુ સુધી ખાનગી મેળાના સંચાલકોએ મહાનગરપાલિકાના મેદાનો માટે ટેન્ડર ન ભર્યાનું જાણવા મળે છે.

ખાનગી મેળા માટે રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે પોતાના મેદાનો ભાડે આપતી હોય છે અને આ વર્ષે પણ નાનામવા સર્કલ કોર્નર પાસે પેટ્રોલ પંપની બાજુમાં આવેલો 9438 ચો.મી.નો પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર રાજપેલેસની સામે આવેલો 5388 ચો.મી.નો પ્લોટ અને અમીન માર્ગ પર ઝેડ બ્લૂની સામે આવેલો 4669 ચો.મી.નો પ્લોટ ભાડે આપવા મનપાએ જાહેરાત આપી હતી, પરંતુ 21મી સુધીમાં માત્ર એક જ કવર આવતા અને તે પણ કોરા કાગળ સાથે આવતા હવે રિ-ટેન્ડર કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.

લોકમેળામાં તંત્ર એસઓપીમાં બાંધછોડ કરવા તૈયાર થતા હવે ખાનગી મેળાની નવી આવનારી જાહેરાત બાદ મોટી સંખ્યામાં ટેન્ડરો ભરાશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *