ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે દાદાગીરી! ફરજમાં રુકાવટની ફરિયાદ

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બંસલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા ડમ્પરને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઊભા રાખી રેતી સીઝ કરવાનો પ્રયાસ કરતા બે શખ્સ એલફેલ બોલી ડમ્પર લઇને ભાગી ગયા હતા અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ તેમનો પીછો કરતાં હિરાસર ગામમાં જઇ પરિવારની મહિલાઓની મદદથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને એલફેલ બોલી ધાકધમકી આપી ફરજમાં રુકાવટ કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.રાજકોટ જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હિતેષ મેરૂભાઇ સોલંકીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનોજ કડવા સોલંકી અને મહેશ કડવા સોલંકીનું નામ આપ્યું હતું.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી અને તેમનો સ્ટાફ ખાનગી વાહનમાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચેકિંગમાં હતા ત્યારે આરોપીઓ બંસલ પેટ્રોલ પંપ પાસેથી નીકળતા તેમને ડમ્પર ઊભું રાખવાનું કહેતા જીઆઇડીસી તરફ વળી હિરાસર ગામ તરફ ડમ્પર જવા દીધું હતું અને બાદમાં ફરિયાદીએ ડમ્પર ઊભું રખાવી ચેક કરતા મનોજ સોલંકીએ તેમાં 40 મેટ્રિક ટન રેતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ ડમ્પર નં.જીજે13-એક્સ-5330 સીઝ કરવા કાર્યવાહી કરી સીઝર મેમામાં ડ્રાઇવર મહેશ કડવા સોલંકીને સહી કરવા કહેતા સહી ન કરી ગાડી લઇ હિરાસર ગામ તરફ ભાગી ગયા હતા.

આથી ફરિયાદીએ ડમ્પરનો પીછો કરતા ડમ્પરચાલક પોતાના ઘેર ચાલ્યા ગયા હતા અને ત્યાં તેમના સગાંવહાલાં મહિલાઓ વચ્ચે પડ્યા હતા ત્યારે મહેશ સોલંકીએ એલફેલ બોલી અહીંયાથી જતા રહો નહીંતર તમારી ખેર નથી તેમ કહી ગનમેન પર હુમલાની કોશિશ કરી અમારી કારના પાછળના દરવાજે પાટા મારવા લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *