પ્રજાની નથી દરકાર, આવી છે તમારી સરકાર. રાજીનામું આપો ભાનુબેન બાબરીયા. હું છું ભાજપ, હું છું વિકાસ બેનર સાથે રાજકોટ- ભાવનગર હાઈવેના ખરાબ રસ્તા પર રાખી રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ચાર મહિના પહેલા આ હાઈવે પરના ખરાબ રસ્તાનું પેચ વર્ક અને ડામર પાથરવા માટે રૂ. 27 કરોડ મંજૂર થયા હતા. જેમાંથી રૂ.5 કરોડ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જોકે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી વહેલી તકે આ રોડનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
આમાં ક્યાંય ડામર દેખાતો નથી રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નિશિત ખૂંટે જણાવ્યુ હતું કે, રાજકોટ ભાવનગર હાઈવે પરના રોડનું ચાર મહિના પહેલા તંત્ર દ્વારા ડામર દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું હતું. તેમણે રસ્તા પરની ધૂળ હાથમાં લઈ કહ્યું કે આપ જોઈ શકો છો કે આમાં ક્યાંય ડામર દેખાતો નથી. આ બાબતે અમે તંત્રને અનેક વખત રજૂઆતો કરેલી છે. રસ્તા ન કામમાં રૂ.5 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે તેની તપાસ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.