ખરાબામાં કબજાની ફરિયાદ કર્યાનો ખાર રાખી યુવકને પતાવવાની ધમકી

જસદણ તાલુકાના ખડવાવડી ગામે રહેતા અને પશુપાલન સાથે ખેતીકામ કરતા વિજયભાઈ ગોકળભાઈ લાંબરિયા (ઉ.વ.28) એ રયલા ઉર્ફે રૈયા મેરાભાઈ બાંભવા, પોપટ સિંધાભાઈ બાંભવા, વિહા સિંધાભાઈ બાંભવા, વાલા ઘુધાભાઈ બાંભવા, પ્રભાબેન ધનાભાઈ બાંભવા, ગોવિંદ ઘુઘાભાઇ બાંભવા અને રામા ઉર્ફે ભૂપત ભીમાભાઈ બાંભવા સામે ધમકી આપવા અંગે ભાડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા અમારી જમીનની બાજુની સરકારી ખરાબાની જમીનમાં ઉપરોક્ત લોકોએ કબજો કરી વાડા બનાવી નાખ્યા હતા અને પરાણે અમારા ખેતરમાંથી રસ્તો કાઢવા માથાકૂટ કરતા મે મામલતદારમાં ફરિયાદ કરી હતી. જેમાં રોજકામ બાદ પેશકદમીનો કેસ કરી આ ગેરકાયદે દબાણ દુર કરવા નોટીસ આપી હોય તેનો ખાર રાખી ત્યારથી ધમકી આપી હેરાન પરેશાન કરે છે તેમજ જીવવાનું હરામ કરી નાખ્યું છે. ગત તા.6 એ હું અને પત્ની ખેતરથી ગામમાં આવતા હતા ત્યારે ખેતરના શેઢે અમને રોકી બેય અહીં આવો, આજે તો તમને પતાવી જ દેવા છે કહી ધમકી આપતા બીક લાગી હતી. બાદમાં ગામના લોકો ધસી આવ્યા હતા અને પોલીસને ફોન કરતા પોલીસ પણ આવી ગઈ હતી. જે તે વખતે અમે સમાધાનની વાત કરી હતી પરંતુ આ લોકો ખોટા કેસમાં ફ્સાવી દેશે તેવી બીક લાગતા અંતે ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *