લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ આજે 7 એપ્રિલે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પદ્મીનીબા વાળાને ખેસ પહેરાવી તેમનો વિધિવત આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો છે.
આ સમયે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકારની તાનાશાહીનો ભોગ બનેલા જેટલા પણ લોકો છે એ તમામને હું આમ આદમી પાર્ટીમાં આવકારું છું. ખાસ આજે પદ્મીનીબા વાળા જોડાયા છે અમારી સાથે તેઓ પંજાબમાં આમ આદમીની સરકાર દ્વારા દર મહિને મહિલાઓના ખાતામાં જે રૂપિયા 1000 આપવામાં આવી રહ્યા છે તેનાથી પ્રેરિત થઇ આમ આદમી પાર્ટીમાં જોડાવવા નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા પદ્મિનીબા વાળાએ ભાજપના પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેઓ ક્ષત્રિય આંદોલનમાં સક્રિય બની ભાજપનો વિરોધ કરતા જોવા મળ્યા હતાં. ત્યારબાદ આજે તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે.
‘બીજી પાર્ટી માત્ર વાતો કરે છે આમ આદમી પાર્ટી કામ કરે છે’ પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, આમઆદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે. તેમના કાર્યોથી પ્રભાવિત થઇ અમે પતિ પત્ની બન્ને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. હું ખાલી ક્ષત્રિય આંદોલન સમયથી જ લોકો વચ્ચે આવી એવું નથી હું છેલ્લા 15 વર્ષથી સમાજની બહેનો દીકરીઓ માટે સતત કામ કરતી આવી છું આગળ પણ બહેનો દીકરીઓ માટે હું કામ કરતી જ રહીશ. બીજી પાર્ટી માત્ર વાતો કરે છે આમ આદમી પાર્ટી કામ કરે છે એટલે હું એનાથી પ્રેરિત થઈને જોડાઈ છું.