ચોટીલામાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા દિલીપભાઇ લક્ષ્મણભાઇ ખીમસુરિયા (ઉ.38)એ મંગળવારે રાત્રે ચોટીલા જલારામ મંદિર નજીક ઝેરી દવા પી લેતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે ચોટીલા પોલીસ રાજકોટ દોડી આવી હતી. દિલીપભાઇ પાસેથી ચિઠ્ઠી મળી આવી હતી તે ચિઠ્ઠી પોલીસે કબજે કરી હતી.
દિલીપભાઇ ખીમસુરિયાએ હોસ્પિટલના બિછાનેથી આક્ષેપ કર્યો હતો કે, પોતે અઢી ત્રણ વર્ષથી ભાગીદારીમાં ક્રિકેટ સટ્ટો રમાડતો હતો. ગ્રાહકોને નાણાં ચૂકવવા માટે કેટલાક વ્યાજખોરો પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું હતું, જ્યારે ભાગીદારો પોતાનું કમિશન લઇને ગ્રાહકોને નાણાં ચૂકવવામાં હાથ ઉંચા કરી દેતા હતા. બીજીબાજું વ્યાજખોરોએ નાણાંની પઠાણી ઉઘરાણી કરતાં પોતે ઝેરી દવા પીધી હતી.
દિલીપભાઇ ખીમસુરિયાએ ચિઠ્ઠીમાં હાર્દિક જાદવ, ભારતી ભરત, વિશાલ દિનેશ, દિનેશ હીરા, કનુ બોરીચા, કરમશી લોહ, હીર મેડમ, ક્રિપાલસિંહ, કિશન, રાજવીર, શાંતુ ધાધલ, ભાવેશ, આશિક સુલ્તાન અને પટેલભાઇના નામ લખ્યા હતા.
દિલીપભાઇ ખીમસુરિયાએ વધુમાં કહ્યું હતું કે, ઉપરોક્ત પૈકીના કેટલાક તેના ભાગીદારો છે તો કેટલાક વ્યાજખોરો છે, પોતે ત્રણેક વર્ષથી રાજેશ માણેક પાસેથી લીધેલી આઇડી પરથી ક્રિકેટ સટ્ટો રમાડતો હતો. જોકે આઇડી રાજેશ માણેકે ડાયરેક્ટ આપી નહોતી પરંતુ તેના મળતિયા આ તમામ વ્યવહાર કરતા હતા. ચોટીલા પોલીસે ચિઠ્ઠી કબજે કરી છે. પોલીસ આ મુદ્દે ઊંડાણથી તપાસ કરશે તો ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ખૂલવાની સંભાવનાના નિર્દેશો મળ્યા હતા.