શહેરની ભકિતનગર સોસાયટીમાં છરીની અણીએ થયેલ રૂ. 2.62 લાખની લૂંટનો ભેદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી ઈમરાન કાદરી નામના શખ્સની ધરપકડ કરી હતી. આરોપીએ સૌ પ્રથમ મીલપરામાં આવેલ જલારામ ભેળ પાસેથી એકટીવા ચોરી બાદમાં લૂંટને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. ગત તા.18/4ના મવડી 80 ફૂટ રોડ પર ગુરૂદેવ પાર્ક શેરી નં.2માં રહેતા હરેશભાઈ ધીરજલાલ રાદડીયા પોતાનું બાઈક લઈ ઢેબર રોડ પરથી નિકળી અટીકા ફાટક પાસે આવેલ શીતલ ઈલેક્ટ્રીક નામના કારખાને પેમેન્ટ આપવા જતા હતા ત્યારે નાગરિક બેંક પાસે પહોંચતા એક અજાણ્યા એકટીવા ચાલકે પાછળથી ધસી આવી અકસ્માત સર્જી એકટીવામાં નુકશાન થયું છે
જેથી મારા શેઠ પાસે આવો તેમ કહી હરેશભાઈને નજીકની શેરી ભકિતનગર સોસાયટીના સત્યાર્થ પ્રકાશ નામના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં લઈ જઈ છરી બતાવી હરેશભાઈના ખીસ્સામાં રહેલ રૂ.2.62 લાખની લૂંટ કરી આરોપી નાસી છુટયો હતો. જે અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોકકસ બાતમીના આધારે લૂંટ કરી નાસી છુટેલા ઈમરાન હાસમ મીયા કાદરી (ઉ.24) (રહે. કર્મચોરી સોસાયટી શેરી નં.3, પુનીતનગર પાણીના ટાંકા પાસે)ને શાસ્ત્રી મેદાનના ગ્રાઉન્ડમાંથી દબોચી લીધો હતો.વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે આરોપીએ પ્રથમ મીલપરામાં આવેલ જલારામ ભેળ પાસે પાર્ક કરેલ એકટીવા ચોરી બાદમાં લૂંટને અંજામ આપ્યો હતો. જેથી બાઈક ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિરૂધ્ધ લૂંટ, ચોરી, મારામારી સહિતના 21થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધાયેલ છે.
અન્ય બનાવમા જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલા 2ને રાજકોટ જિલ્લામાંથી હદપારી દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ જેતપુરનો રાજુ અને પ્રિયા સામે હદપારીની કાર્યવાહી કરી બંનેને રાજકોટ જિલ્લા બહાર કરાયા હતાં.રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી હિંમકર સિંહ દ્વારા દારૂ, જુગાર, મારામારી, ચોરી, ગેરકાયદેસર ખનન સહિતના ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમો શખ્સો વિરુદ્ધ હદપારી કાર્યવાહિ કરવાની આપેલ સુચનાથી જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર-નવાર દારૂના ગુનામાં પકડાયેલ રાજુ રાણા પરમાર (રહે.જેતપુર, ગોદરા વિસ્તાર ઇટના ભઠ્ઠા પાસે) અને પ્રિયાબેન અશોક મકવાણા (રહે. સારણના પુલ પાસે, જેતપુર) વિરૂધ્ધ પીઆઈ એ.ડી. પરમાર દ્વારા અવાર-નવાર દારૂના ગુનાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ હદપારી પ્રપોઝલ તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને મોકલતા મહિલા સહિત બંને શખ્સોને હદપારી મંજુર કરી રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી હદપારીનો હુકમ કરેલ હતો. ઉલ્લેખનીય છે કે, બંને વિરુદ્ધ જેતપુર પોલીસ મથકમાં દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે.