પોલીસની ઓસરતી જતી ધાકને ફરીથી અસરકારક બનાવવા રાજ્યના પોલીસવડાએ ઝુંબેશ શરૂ કરાવી છે, 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરવાની સૂચના આપી છે, તે યાદી તૈયાર થઇ રહી છે તેની સાથોસાથ પોલીસ હરકતમાં આવી છે અને કોમ્બિંગ કરી ગુનેગારો સામે લાલ આંખ કરી રહી છે, બીજીબાજુ રાજકોટ ક્રાઇમબ્રાંચે એક હેલ્પલાઇન શરૂ કરી છે અને વ્હોટ્સએપ નંબર જાહેર કર્યા છે જેમાં ગુનાખોરી અંગેની તમામ માહિતી આપવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. ક્રાઇમબ્રાંચે 6359629896 મોબાઇલ નંબર જાહેર કર્યો છે, વ્હોટ્સએપવાળા આ મોબાઇલ નંબર પર લોકો ગુનાખોરી અંગે જાણ કરી શકશે.
શહેરમાં કોઇપણ સ્થળે ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે કોઇપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અસામાજિક તત્વોની ગુનાખોરીના ફોટા તેમજ વીડિયો આ નંબર પર મોકલી શકાશે અને આવા ફોટા વીડિયો મળતાં જ ક્રાઇમબ્રાંચના પીએસઓ તાત્કાલિક અસરથી જે તે સ્થળે ક્રાઇમબ્રાંચની ટીમને મોકલશે અથવા તો નજીકના પોલીસ સ્ટેશનના સ્ટાફને દોડાવાશે, એટલું જ નહીં વ્હોટ્સએપ પર મળેલા સંદેશામાં પોલીસે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ પણ તૈયાર કરવાનો રહેશે, આવી માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે સાથે યોગ્ય ઇનામ પણ તેમને આપવામાં આવશે. આ હેલ્પલાઇન નંબર પ્રસિદ્ધ થતાની સાથે જ લોકોએ તેના પર ફોટા વીડિયો મોકલવાનું શરૂ કરી દીધું હતું અને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.