ક્યૂબેક-ઓન્ટારિયો બોર્ડર નજીક સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી

ક્યૂબેક-ઓન્ટારિયો સરહદ નજીક સેન્ટ લોરેન્સ નદીમાં એક બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. બોટમાં સવાર લોકો લાપતા બન્યા પછી શરૂ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન સૌપ્રથમ 6 મૃતદેહો હાથ લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે વધુ બે મૃતદેહો મેળવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે બપોરે પાણીમાં પલટી ગયેલી બોટ જોવા મળ્યા બાદ મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે. મૃતકોમાં ભારતીય મૂળના લોકો સામેલ હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે. એકવેસાસ્નેના પોલીસ અધિકારી શોન ડુલુડેના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ હજુ પણ ગુમ છે.

મૃતદેહો છ પુખ્ત વયના અને બે બાળકોના છે, જેમાં એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો સમાવેશ થાય છે, જેની પાસે કેનેડિયન પાસપોર્ટ હતો, જ્યારે અન્ય એક શિશુની લાશ પણ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ મૃતકો ભારતીય પરિવાર અને રોમાનિયન પરિવારના સભ્યો હોવાનું જણાય છે. જેઓ કેનેડાથી ગેરકાયદે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય પરિવારના હોવાના મનાતા મૃતકોની ઓળખ અંગે હજુ વિગતો પ્રાપ્ત થઈ નથી.

પોલીસના જણાવ્યા પ્રમાણે કે સી ઓક્સ કે જેની વય 30 વર્ષ છે અને એક્વેસાસ્નેના રહેવાસી છે, તેઓ હજુ પણ લાપતા છે. ઓક્સ બુધવારે છેલ્લે કોર્નવોલ આઈલેન્ડથી એક નાની, આછા વાદળી રંગની બોટમાં સવાર થતા જોવા મળ્યા હતા. સર્ચ ઓપરેશનમાં સામેલ એક્વેસાસ્ને મોહોક પોલીસ સેવાના નાયબ પોલીસ વડા લી-એન ઓ’બ્રાયને શુક્રવારે આ માહિતી આપી હતી. તેમના કહેવા પ્રમાણે નદીમાંથી મૃતદેહોની નજીકમાં પાણીમાં પલટી ગયેલી બોટ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *