કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વોને બાવળિયાએ આડેહાથ લીધા

સુરતના આંગણે આજે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ ‘સંગઠન વિચાર વિમર્શ’ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના ઉત્થાન અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો હતો, સાથે જ સમાજમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અંગે બાવળિયાએ આકરા પ્રહારો કર્યા હતા.

બેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હાલમાં કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતાને ખંડિત કરવાનો અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સમાજની ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે.

કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું બાવળિયાએ જણાવ્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવી આવા તત્વોથી સમાજને સાવચેત કરવાનો હતો. સમાજનું હિત સંગઠનમાં છે, પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાને પ્રમુખ ગણાવી ભ્રમણા ફેલાવે છે. કોળી સમાજે આવા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *