કોલેજો, વાલીઓ, વિદ્યાર્થીઓનો વિરોધ છતાં આ વર્ષે GCASથી જ પ્રવેશ પ્રક્રિયા

છેલ્લા બે વર્ષથી જે પોર્ટલનો વિદ્યાર્થી સંગઠનો, વાલીઓ અને કોલેજ સંચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા જ આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોષ અને વિવાદોની વચ્ચે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, 15 યુનિવર્સિટીઓની પ્રવેશ કસોટી આ ડિજિટલ માધ્યમથી જ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થતાની સાથે જ, એટલે કે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 15 યુનિવર્સિટીઓમાં ચાલતા 426 વિવિધ પ્રોગ્રામની કુલ 7 લાખથી વધુ બેઠકો માટે આ પ્રક્રિયા હાથ ધરાશે. પહેલા ‘ક્વિક રજિસ્ટ્રેશન’ કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડનું પરિણામ જાહેર થયા પછી ‘ફાઈનલ રજિસ્ટ્રેશન’ની કાર્યવાહી થશે. આ વર્ષે સૌથી મોટો પ્રશ્ન ઓટોનોમસ (સ્વાયત્ત) કોલેજોનો છે. સરકાર હાલ વિચારણા કરી રહી છે કે શું ઓટોનોમસ કોલેજોની બેઠકો પણ જીકાસ હેઠળ લાવવી? જો કોલેજ સંચાલકો સહમત થશે, તો આ બેઠકો પર પણ કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ પ્રવેશ અપાશે.

એક તરફ સરકારી તંત્ર જીકાસની તૈયારીઓમાં છે, બીજી તરફ ખાનગી યુનિવર્સિટીઓએ અત્યારથી જ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી ‘એડમિશન ઓફર’ આપવાનું શરૂ કરી દીધું છે. આ સ્પર્ધામાં સરકારી કોલેજો પાછળ ન રહી જાય તે માટે માર્ચ માસથી જ પ્રક્રિયા તેજ બનાવવામાં આવશે. વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે, જીકાસ પોર્ટલમાં રહેલી ટેક્નિકલ ખામીઓને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે, છતાં સરકાર ટેક્નોલોજીના નામે આ પદ્ધતિ થોપી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, આ વર્ષે જીકાસ કેટલી સરળતાથી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *