રાજકોટમાં કોલેજીયન યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યા બાદ ગર્ભપાત કરાવ્યાની લાંછનરૂપ ઘટના સામે આવી છે. આ ઉપરાંત શહેરમાં ફ્રુટના વેપારી પર હત્યાના ઇરાદે છરીથી હૂમલો થયાનો બનાવ બન્યો હતો. જોકે ઘટનાના બે દિવસમાં પોલીસે હુમલો કરનાર કુખ્યાત ઈબ્રાહિમ ઉર્ફે ઈભલાને ઝડપી પાડ્યો છે. જેની સામે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 51 ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે 7 વખત પાસા હેઠળ ધકેલાઈ ચૂક્યો છે.
મૂળ ઉત્તરપ્રદેશની અને રાજકોટમાં રહેતી કોલેજિયને થોરાળા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મૂળ ઉત્તર પ્રદેશના અનિલ નામના શખ્સે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ રૂમ ભાડે રાખી ત્યાં અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા. જેથી પીડિત યુવતીને પ્રેગનન્સી રહી ગઈ. જોકે તે વખતે શખ્સે લગ્ન થયા બાદ બાળક રાખીશુ તેમ કહી ગર્ભપાતની સાતથી આઠ વખત દવા આપી ગર્ભપાત કરાવી નાખ્યો.
જોકે તે બાદ કોલેજીયન યુવતીને જ્યારે ખ્યાલ આવ્યો કે તે શખ્સ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો છે ત્યારે ઝઘડો થતાં યુવતીને શખ્સે ઢીકાપાટુનો માર માર્યો. જે પછી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ કંટાળીને આ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે BNS ની કલમ 69, 89, 115(2), 351(3),352 મુજબ ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.