રાજકોટના સ્લમ ક્વાર્ટરમાં રહેતી અને ત્રંબામાં આવેલી આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી કોલેજીયન યુવતીએ આઇટીઆઇમાં અભ્યાસ કરતા એક યુવાન સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં છેડતી અને હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદી પોતાના ઘરેથી પોતાની ત્રંબા આયુર્વેદીક કોલેજ અભ્યાસ માટે સીટી બસમાં બેસી અપડાઉન કરતાં હતા. ત્યારે રઘુરાજસિંહ પરમાર આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતો હોવાથી પરીચય કેળવી તેની સાથે બોલચાલના સંબંધ રાખ્યા હતા. જોકે ત્યારબાદ યુવતીને યુવકનું વર્તન યોગ્ય ન લાગતાં સંબંધ તોડી નાખ્યા હતા. આમ છતાં આરોપી અવારનવાર બોલચાલના સંબંધ રાખવા અને લગ્ન કરવા દબાણ કરતો હતો અને એક વખત યુવતીનો હાથ પકડી લીધો હતો. આ યુવાન ઘરેથી કોલેજ સુધી યુવતીનો પીછો કરતો હતો. આ દરમિયાન આ યુવાને તેના મિત્ર હરદેવ સાથે મળી યુવતી અને તેની માતાને બિભત્સ ગાળો આપી હતી અને જો બોલચાલના સંબંધ નહીં રાખે તો યુવતી અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી વૃંદાવન સોસાયટીમાં સરકારી આવાસમાં રહેતા 48 વર્ષિય લોન એજન્ટ નુરજહાબેન ઓસમાનમિયા કાદરીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મુકેશ વાઘેલા અને રાકેશ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેને મહિલા ગ્રુપ લોન નામનું પેમ્પલેટ મળ્યું હતું. રૂપિયા 1 કલાક અને 2 લાખની લોન માટે પેમ્પ્લેટમાં બતાવવામાં આવેલા સરનામાં મુજબ નાણાવટી ચોક પાસે આવેલ જાસલ કોમપ્લેક્ષના બીજા માળે ઓફીસ નં.248 માં પહોંચ્યા હતા. જ્યાં આ મહિલાને દર મહિને રૂપિયા 30,000નો પગાર આપશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને કસ્ટમર શોધી આપવાનું કહ્યું હતું. જે પછી આ મહિલા 65 કસ્ટમર શોધી લાવી હતી અને કસ્ટમર દીઠ લીધેલા રૂપિયા 10,000 લેખે રૂ.6.50 લાખ ઓફિસ ધારક બંને વ્યક્તિને આપ્યા હતા. જોકે બાદમાં આ બંને શખ્સો ઓફિસના તાળા મારી નાસી ગયા છે. જેથી આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.