સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઇન્ડિયન નોલેજ સિસ્ટમ હેઠળ મુખ્ય વિષયો ઉપરાંત ઘણા વૈકલ્પિક વિષયો પણ ભણી રહ્યા છે. એવામાં તાજેતરમાં જ હવે યુનિવર્સિટી દ્વારા હિન્દી વિદ્યાશાખામાં નવા 7 કોર્સ ઉમેર્યા છે. જેમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ હવે કોલેજમાં તુલસીદાસ કૃત રામચરિત માનસ (અયોધ્યાકાંડ), ગુજરાતના સંત મેકરણ દાદા ને અખા ભગતના પાઠ ભણશે.
આ અંગે યુનિવર્સિટીએ પરિપત્ર કર્યો છે જેના જણાવ્યું છે કે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તેમજ ત્યારબાદ તેને આનુસંગિક આવેલ તમામ સુધારા/વધારા મુજબના ચેરપર્સન હિન્દી વિષયની અભ્યાસ સમિતિ દ્વારા રજૂ કરાયેલ હિન્દી વિષયનો સત્ર-3 માટે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને સત્ર 4 માટે વેલ્યૂએડેડ કોર્સ માટે આ નવા કોર્સ લાગુ થશે. નોન-કાઉન્સિલ હેઠળની તમામ વિદ્યાશાખાઓના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બહાલીની અપેક્ષાએ કુલપતિને મંજૂર કરવા ભલામણ કરી છે.
અગાઉ કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પ્રમાણે તમામ યુનિવર્સિટી અને કોલેજો માટે નવી SOP પણ જાહેર કરી હતી જે પ્રમાણે કોલેજોએ વ્યવસાયિક, મલ્ટિડિસિપ્લિનરી, કૌશલ્યવર્ધક અને વેલ્યૂએડેડ કોર્સ પણ ભણાવવા જણાવાયું હતું જેમાં વિદ્યાર્થીઓ મુખ્ય, ગૌણ અને અન્ય પસંદગીના કોર્સ બકેટમાંથી પસંદ કરીને ભણી શકે છે.