કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસ

રાજકોટ મનપાનાં ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ભાજપનાં કોર્પોરેટર નેહલ શુક્લ ત્રણ બોર્ડમાં ગેરહાજર હોવાથી તેમને બરતરફ કરવા અંગે કમિશ્નરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. આ મામલે ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાને કારણે ભાજપનાં જ અન્ય નેતાઓના ઈશારે આ કૃત્ય કરાયું હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જેને લઈ આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, અધિકારીએ પોતાનું કામ કર્યું છે, સમગ્ર મામલે ભાજપ દ્વારા કાનૂની અભિપ્રાય લેવામાં આવશે. જેમાં ભાજપના તમામ કોર્પોરેટરો નેહલભાઈની સાથે છે. આ સિવાય ત્રણ પૈકી એક બોર્ડમાં તેમનો રજા રિપોર્ટ પણ હોવાથી તેમના બરતરફ થવાની શક્યતા નથી.

જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે, નેહલ શુક્લ ત્રણ જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યા છે. જનરલ બોર્ડની બુક તપાસી હતી. જેમાં એક બોર્ડ બેઠકમાં નેહલ શુક્લ દ્વારા રજા રિપોર્ટ મુકવામાં આવ્યો હતો. ત્રણ પૈકી એક બોર્ડ માટે રજા રિપોર્ટ રજૂ કરાયો હોવાથી પોતાની દ્રષ્ટિએ નેહલ શુક્લને બરતરફ કરી શકાય તેમ નથી. જોકે રજા રિપોર્ટ હોવા છતાં કોર્પોરેટર 3 બોર્ડ બેઠકમાં હાજર ન રહે તો તેમને બરતરફ કરવાની જોગવાઈ હોવાનું ઇન્ચાર્જ સેક્રેટરીનું કહેવું છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાનૂની અભિપ્રાય લેવામાં આવશે. ભાજપમાં કોઈ આંતરિક જુથવાદ નથી. અને બાકીના તમામ કોર્પોરેટરો નેહલભાઈની સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *