કોર્ટ સંકુલમાં ડીજીપીની ઓફિસમાં વકીલો વચ્ચે ઝપાઝપી, પોલીસ ફરિયાદ ન નોંધાવાઇ

રાજકોટના કોર્ટ સંકુલના બીજા માળે આવેલી ડીજીપી (ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર)ની ઓફિસમાં શુક્રવારે બપોરે સરકારી વકીલ વોરા અને ખાનગી વકીલ મહેતા વચ્ચે હાથોહાથની આવી ગઇ હતી, જેમાં એડવોકેટ મહેતાને ઇજા થઇ હતી, જોકે આ મામલે એકપણ પક્ષે ફરિયાદ નોંધાવી નહોતી.

શહેરના જામનગર રોડ પર આવેલા કોર્ટ સંકુલમાં બપોરે 3 વાગ્યે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે બીજા માળે આવેલી ડીજીપીની ઓફિસમાં ધમાલ થતાં દેકારો મચી ગયો હતો અને કોર્ટનો સ્ટાફ તથા અસીલો ત્યાં દોડી ગયા હતા. સરકારી વકીલ એસ.કે.વોરા અને ખાનગી વકીલ કમલેશ મહેતા વચ્ચે આ ધમાલ થઇ હતી, એસ.કે.વોરાએ કહ્યું હતું કે, એડવોકેટ કમલેશ મહેતા ડીજીપી કચેરીમાં આવી સરકારી ફાઇલોમાં ગોટાળા કરતા હોવાથી તેની સાથે અગાઉ માથાકૂટ થઇ હતી અને તેને આ કચેરીમાં આવવાની ના કહેવા છતાં શુક્રવારે બપોરે તે ફરી આવ્યા હતા અને તેને બહાર જવાનું કહેતા તેણે ધમાલ શરૂ કરી હતી અને ઝપાઝપી કરી હતી, પોતાના પર હુમલાનો પ્રયાસ કરતાં વોરા ચેમ્બરમાં જતા રહ્યા હતા અને તે હુમલો કરશે તેવી ભીતિ લાગતાં પોલીસને જાણ કરતાં 112ની ટીમ આવી ગઇ હતી.

સામાપક્ષે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કમલેશ મહેતા ડીજીપી કચેરીમાં જતાં જ સરકારી વકીલ એસ.કે.વોરાએ બહાર નીકળવાનું કહી બાજુમાં પડેલા કુંડાનો ઘા કરતાં કમલેશ મહેતાને આંખ નજીક ઇજા થઇ હતી અને તે લોહીલુહાણ થઇ ગયા હતા.એડવોકેટ કમલેશ મહેતાને હોસ્પિટલે ખસેડવા 108ને પણ બોલાવવામાં આવી હતી, આ મામલે યુનિવર્સટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં આ મુદ્દે એકપણ પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી નથી કે કોઇને ઇજા થઇ હોય તેવી હોસ્પિટલ તરફથી પણ હજુ સુધી જાણ કરવામાં આવી નહોતી, આ મામલે વકીલોમાં ભારે ચર્ચા શરૂ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *