કોઠારિયા ઇન્ડ.એરિયામાં તૂટેલા ઢાંકણા, ઊભરાતી ગટરોથી ઉદ્યોગકારો ત્રાહિમામ્

રાજકોટ શહેરમાં 10 વર્ષ અગાઉ ભળી ગયેલા કોઠારિયામાં રસ્તા, ગટર, સફાઇના પ્રશ્ને અગાઉ અનેક વખત વિસ્તારવાસીઓ અને ઉદ્યોગકારોએ રજૂઆતો કરી હતી આમ છતાં 10 વર્ષથી આ વિસ્તારના રોડ-રસ્તાથી લઇને એકપણ પ્રશ્નનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી ત્યારે કોઠારિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા સોમવારે કમિશનરને આવેદનપત્ર પાઠવીને ઊભરાતી ગટરો, તૂટલાં ઢાંકણા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, આ ઔદ્યોગિક વસાહતમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરો છલકાઇ રહી છે અને અનેક જગ્યાએ ઢાંકણા પણ તૂટી ગયા છે. જે અંગે ઘણી વખત ફરિયાદો કરવા છતાં કોઇ ધ્યાન આપતું નથી. વોર્ડ નં.18માં વરુણ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, સિલ્વર ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં હમણા જ મેટલિંગ કામ થયું હતું ત્યાં પણ ઢાંકણા ભાંગી ગયા છે અને ગટરો સતત ઊભરાઇ રહી છે.

હવે રોગચાળાનો ખતરો ઊભો થયો છે. અહી કોઇ અકસ્માત ન થાય અને આરોગ્યને નુકસાન ન થાય તે માટે તુરંત કાર્યવાહી કરાવવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વોર્ડના ઇન્ચાર્જ અધિકારીને ફરિયાદ કરવામાં આવે ત્યારે તેઓ અમારી પાસે સ્ટાફ નથી તેવું કહે છે. જ્યારે સ્ટાફ આવે ત્યારે એમ કહે છે કે, આ કામ અમારામાં ન આવે. સ્થાનિક કોર્પોરેટરોને પણ અનેક રજૂઆતો કરી છે, પરંતુ કોઇ સારો પ્રતિભાવ આપતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *