કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે 8 એકરના સરકારી ખરાબાની જમીનમાં પાકી દીવાલ અને 2 રૂમનું બાંધકામ ત્રણ શખ્સે ખડકી દીધાની હકીકત ધ્યાનમાં આવતા તેમની સામે દબાણ અંગેનો કેસ ચલાવ્યા બાદ બુધવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દબાણ દૂર કરી રૂ.4.75 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. કોટડાસાંગાણી તાલુકા મામલતદારે ગુમાનસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કલેક્ટર પ્રભવ જોષીના આદેશાનુસાર તથા આસિ.કલેક્ટર મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજરોજ કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામના સરકારી ખરાબાના સરવે નં.664 તથા 666 પૈકીની જમીન આશરે 8 એકરમાં ફરતે બાંધવામાં આવેલી પાકી દીવાલ તથા 2 રૂમના પાકા મકાનના દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને રૂ.4.75 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ દબાણ પ્રણવ નીતિન અણદાણી, સાગર વાલજીભાઇ સાકરિયા અને રણછોડ ચકુભાઇ લીંબાસિયાએ છેલ્લા 2થી 3 વર્ષથી કર્યાનું ધ્યાનમાં આવતા તેમની સામે દબાણનો કેસ કરી 202 મુજબ દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તકે કોઇ વિવાદ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રખાયો હતો.