કોટડાસાંગાણીના અરડોઇ ગામના ગામના શખ્સોએ કારમાં ધસી આવી પેપરમિલમાં ઘૂસી ધારિયા, ધોકા વડે બે વેપારી પર હુમલો કરી આતંક મચાવી મિલમાં તોડફોડ કરી રીબડા ચોકડીએ તને પતાવી દેવાનો હતો અને તને ભડાકે દેવો છે કહી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો. રાજકોટમાં વિશ્વનગરમાં રહેતા અને મૂળ ગોંડલના ચરખડી ગામના મયૂરભાઇ વિઠ્ઠલભાઇ મોવલિયાએ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તેની અરડોઇ ગામની સીમમાં જય સોમનાથ પેપરમિલમાં તેના ભાગીદાર બકુલભાઇ વીરડિયા, ગિરીશભાઇ કથારિયા સહિતના બેઠા હતા. દરમિયાન અરડોઇ ગામે રહેતો રામકુ બાવકુભાઇ માંજરિયા, યુવરાજ, મજબૂત અને બે અજાણ્યા શખ્સે કારમાં આવી ધારિયા અને ધોકા સાથે પેપરમિલમાં ઘૂસી ઝઘડો કરી હુમલો કર્યો હતો અને રામકુએ કહેલ કે ચારણી કરી દેવો છે, તને મારી નાખવો છે અને ભડાકે દેવો છે અને કહ્યું હતું કે, રીબડા ચોકડીએ અમે રાહ જોઇને ઊભા હતા અને ત્યાં જ મારી નાખવો હતો.
મિલના કર્મચારી સહિતના લોકો એકઠા થઇ જતા તેઓ નાસી ગયા હતા. બાદમાં મયૂરભાઇ અને રશ્મિન બકુલભાઇ વીરડિયાને ઇજા થતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. કોટડાસાંગાણી પોલીસ મથકના જમાદાર મકવાણા સહિતે તપાસ કરતા મિલમાં પાણીની જરૂર પડતી હોય જેથી તે ગામના સરપંચ નરશીભાઇ ગજેરા પાણી મોકલતા હોય જેનો ખાર રાખી અગાઉ પણ મોટરસાઇકલમાં પણ તોડફોડ કરી હતી અને કેટલાક દિવસથી રામકુ પૈસાની માંગ પણ કરતો હોય, પરંતુ પૈસા નહીં આપતા હુમલો કર્યો હોવાનું મયૂરભાઇએ જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.