કોટડા સાંગાણી કોટડાસાંગાણીથી રીબડા સુધીનો સિંગલ પટ્ટી રસ્તો એટલી હદે બિસ્માર બની ગયો છે કે અપડાઉન કરતા લોકોને રોજેરોજ જીવના જોખમે રસ્તો પસાર કરવો પડી રહ્યો છે. આ પંથકના વાહન ચાલકોને તેમજ રોજે રોજ અપડાઉન કરતા લોકોને આ રસ્તો ભયંકર પીડા આપી રહ્યો છે. આ રોડ ઉપરથી રોજે રોજના હજારો વાહનો અવરજવર કરતાં હોય છે. આ રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે. આ રોડ ઉપરથી રોજે રોજ શાપર વેરાળ ઇન્ડસ્ટ્રીઝમાં કામ ઉપર જતા વાહન ચાલકોનો જીવ રોજ પડીકે બંધાયેલો રહે છે. આ રોડ ઉપર અકસ્માત થાય તંત્ર રાહ જોતુ હોય તેવી લાગી રહ્યું છે.
સિંગલ પટ્ટી રોડ હોવાથી વાહનો ગમે ત્યારે સામસામે આવી જાય છે. અને ત્યારે ભયંકર સ્થિતિ સર્જાય છે.ગાબડાંના લીધે વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છેે, થોડા સમય અગાઉ એવી હિલચાલ શરૂ થઇ હતી કે આ રસ્તા પરના ખાડા બૂરવાનું શરૂ કરાશે પરંતુ બાદમાં કોઇ કામગીરી આગળ વધી નથી. અધિકારીની બદલી થઇ જતાં આ કામગીરી અભેરાઇએ ચડી જવા પામી છે. આથી જ્યાં સુધી નવા અધિકારીની નિમણુંક ન થાય ત્યાં સુધી તો વાહન ચાલકોએ આ જ પનોતી સહેવી પડવાની ! સરકારી ગાડીઓમાં ફરતા અધિકારીઓ જો ટુવ્હિલર લઇને અહીંથી પસાર થાય તો ખ્યાલ આવે કે ગાબડાં તારવવા મુશ્કેલ છે. આ એ જ રસ્તો છે કે જે કોટડા સાંગાણીને રાજકોટ સાથે જોડી રહ્યો છે.