ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ ઉપર પરિવારવાદના આક્ષેપ કરવામાં આવતા હોય છે આ બધા વચ્ચે ભાજપમાં પણ ક્યાંક પરિવાર વાદ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવેલી સેન્સમાં પરિવારવાદ જોવા મળ્યો હતો અને આજે ઉમેદવારોની જાહેરાત થાય તે પહેલા અંતિમ ક્ષણ સુધી ભલામણો કરવામાં આવી રહી છે. જેમાં મોટા નેતાઓ દ્વારા પણ પોતાના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા દ્વારા તેમના દીકરા માટે ટિકિટની માંગણી કરવામાં આવી છે.
ક્યા નેતાની ભલામણ માન્ય ગણી પરિવારવાદને કેટલું મહત્વ આપશે? આ ઉપરાંત રાજકોટ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા તેમના પુત્ર માટે ટિકિટ માંગણી કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ઘવા, બાબુભાઇ મકવાણા, નીતિન રામાણી, હરિભાઈ ડાંગર, પોપટભાઈ ટોળીયાએ પોતાના સંતાનો માટે ટિકિટની માંગણી કરી છે. જયારે પૂર્વ કોર્પોરેટર ડો. અલ્પેશ મોરઝરિયા અને જીતુ કાટોળીયાએ તેમના પત્ની માટે ટિકિટની માંગણી કરવામાં આવી છે. જોકે, હવે પ્રદેશ મવડી મંડળ ક્યા નેતાની ભલામણ માન્ય ગણી પરિવારવાદને કેટલું મહત્વ આપશે? તે તો ઉમેદવારોની જાહેરાત બાદ જ જાણી શકાશે પરંતુ, હાલમાં ભાજપના આંતરિક વર્તુળોમાં જ પરિવારવાદ થતો હોવાનો ગણગણાટ રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહ્યો છે.
રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપના માપદંડ અને નેતાઓના લોબીંગ વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે હજુ સુધી યાદી જાહેર ન થતા આજે સાંજ સુધી યાદી તૈયાર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.