કોંગ્રેસને ‘ઝીરો’ સીટ આવશે કહેવું ભારે પડ્યું

રાજકોટ શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક જૂથબંધી હવે સત્તાવાર રીતે શિસ્તભંગની નોટિસ સુધી પહોંચી છે. પક્ષના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને “ઝીરો સીટ” આવશે તેવી ભવિષ્યવાણી અને પક્ષના નેતૃત્વ પર કરેલા આકરા પ્રહારો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) હરકતમાં આવી છે. પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલ દ્વારા પ્રવીણ સોરાણીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં તેમની સામે શિસ્તભંગના પગલાં કેમ ન લેવા તે અંગે 7 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો છે.

ઇન્દ્રનીલ રાજગુરુ ઉપર પક્ષને ખાનગી પેઢી તરીકે ચલાવવાનો આરોપ પ્રવીણ સોરાણી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા પક્ષની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમણે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને કદાવર નેતા ઇન્દ્રનીલ રાજગુરુ ઉપર પક્ષને “ખાનગી પેઢી” તરીકે ચલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ જશે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલી નોટિસમાં જણાવાયું છે કે, “આપ કોંગ્રેસના કાર્યકર હોવા છતાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા, અખબાર અને જાહેર સંવાદો દ્વારા પક્ષને નુકસાન થાય તેવા અવારનવાર નિવેદનો કરો છો. જેનાથી પક્ષની છબી ખરડાય છે અને સમાજમાં પક્ષ માટે ખોટી છાપ ઉભી થાય છે. આપના દ્વારા આ રીતનું વર્તન કરવામાં આવે તે અસહ્ય છે અને શિસ્તભંગ છે. ત્યારે તમારી સામે શા માટે શિસ્તભંગનાં પગલાં ન લેવા તેનો 7 દિવસમાં ખુલાસો કરશો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *