રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીની ટર્મ પૂર્ણ થવાના આરે છે, ત્યારે આજે મળેલી સંભવિત અંતિમ જનરલ બોર્ડની બેઠક અપેક્ષા મુજબ અત્યંત હંગામેદાર અને વિવાદોથી ઘેરાયેલી રહી હતી. 11 માર્ચનાં રોજ વર્તમાન ટર્મ પૂરી થઈ રહી હોવાથી, આ બેઠક પ્રજાના પડતર પ્રશ્નોના નિકાલ માટે મહત્વની માનવામાં આવતી હતી. જોકે ગૃહમાં પ્રજાલક્ષી ચર્ચાઓને બદલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. વિપક્ષના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારનાં આરોપો લગાવ્યા હતા. જ્યારે શાસક પક્ષે 5 વર્ષમાં રૂ. 5,000 કરોડનાં વિકાસ કામો કર્યા હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન ભાજપના કોર્પોરેટર વિનુધવા અને નેતા વિપક્ષ સામ સામે આવી ગયા હતા. તેમાં પણ વિનુ ધવાએ ડબલ મિનિંગમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા મામલો વધુ ગરમાયો હતો.
જનરલ બોર્ડના એજન્ડામાં કુલ 14 કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવેલા 31 પ્રશ્નોનો સમાવેશ થતો હતો. આ પ્રશ્નોમાં કોંગ્રેસના 3 સભ્યોના 9 પ્રશ્નો અને ભાજપના 11 સભ્યોના 22 પ્રશ્નો પર ચર્ચા થવાની હતી. પરંતુ ગૃહની કાર્યવાહી શરૂ થતા જ શાસક પક્ષના કોર્પોરેટર દક્ષાબેન મસાણીના પ્રથમ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાકીના 30 પ્રશ્નો પર કોઈ પણ પ્રકારની ગંભીર ચર્ચા કર્યા વિના જ બોર્ડ સમેટી લેવાની જાહેરાત કરાતા વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બોર્ડમાં ખાસ વિપક્ષને બોલવાનો મોકો આપવો જોઈએ. પરંતુ આવો મોકો મેયરને ટેલીફોનિક અને લેખિતમાં જાણ કરી હોવા છતાં આપવામાં આવ્યો નથી.
ભાજપના કોર્પોરેટર વિનુ ધવાએ પિત્તો ગુમાવ્યો ને દ્વીઅર્થી શબ્દો કહ્યા બોર્ડની કાર્યવાહી દરમિયાન વાતાવરણ ત્યારે વધુ વણસ્યું જ્યારે ભાજપના કોર્પોરેટર વિનુ ધવાએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ કરી શાંતિ રાખવા કહેતા બોર્ડમાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષી સભ્યોએ ભાજપના શાસકોનાં રાજમાં ટીપી શાખાની શંકાસ્પદ કામગીરી, ફ્લાવર બેડના પ્રોજેક્ટ્સ ઉપરાંત અન્ય વિકાસલક્ષી યોજનાઓમાં થતી અનિયમિતતાઓ મુદ્દે સત્તા પક્ષની આકરી ઝાટકણી કાઢી હતી. વિપક્ષી નેતાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે શાસકો આંકડા રજૂ કરે છે તે માત્ર કાગળ પરની માયાજાળ છે.