રાજકોટના ઉપલેટામાં કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદર નદીકાંઠે આવેલ ખેતરમાં 7 મેની મંગળવારની રાત્રિએ દીપડાએ વિક્રમભાઈ બારૈયાના ખેતરમાં આવેલ તબેલામાં રહેલ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યું હતું. આ બનાવ બન્યા બાદ રાત્રે બાજુમાં વિજયભાઈ ડેરના આવેલ કેળના ખેતરમાં રાત્રે દીપડો આરામ ફરમાવતો હોઈ તેવા દૃશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા છે. ત્યારે આ વિસ્તારમાં દીપડાના આતંકથી વિસ્તારના ખેડૂતો, પર પ્રાંતિય મજૂરો સહિતનાઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા ખેડૂતોમાં માગ ઉઠી છે.
ખેડૂતોના કહેવા મુજબ, મંગળવારે અહીંયા ખેતરમાં નાની વાછરડાનું મારણ થયું હતું, ત્યારે એ સમયે કોને હુમલો કરીને શિકાર બનાવ્યો તે સ્પષ્ટ ના હતું. પરંતુ આ બનાવની બીજી રાત્રિએ બાજુમાં આવેલ કેળના ખેતરમાં દીપડો આરામ ફરમાવતો હોઈ તેવા દૃશ્યો દેખાતા કેમેરામાં કેદ કર્યા હતા. ત્યારે આ દીપડાને વહેલી તકે પાંજરે પુરીના ખેડૂતોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગ છે.
બનાવને પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગને તાત્કાલિક ટેલીફોનીક જાણ કરી હતી. આ સાથે આ વિસ્તારના ખેડૂતો, પરપ્રાંતિય ખેત મજૂરોને પણ સતર્ક રહેવા જણાવ્યું છે. કારણ કે, અહીંયા ખેડૂતો અને ખેતમજૂરી કરતા લોકો અને તેમના બાળકો અહીંયા રહે છે. ત્યારે તે લોકો આ દીપડાનો શિકાર ન બને કે દીપડો વધુ આક્રમક અને માનવભક્ષી બને તે પહેલા અહીંયા પાંજરા મુકવાની માગ કરવામાં આવી રહી છે.