વિજયાબેન વિઠ્ઠલભાઈ સુદ્રા (ઉં.વ.70) ગઈકાલે બપોરે 2 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે હોસ્પિટલ દોડી આવી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. વિજયાબેનને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી હોવાનું સામે આવ્યું છે અને તેઓ છેલ્લા અઢી વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા જેનાથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ગળેફાંસો ખાઈ છકડા રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ માટેલ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ જીલુભાઈ સોઢીયા (ઉં.વ.37) સવારે 7 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે સીડી રૂમમાં દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા પરિવારને જાણ થતા તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. પરિવારની પુછપરછમાં મૃતક દિલીપભાઈ છકડો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે અને અગાઉ બે વખત તેમના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. જોકે, આપઘાત ક્યાં કારણે કર્યો તે અંગે પરિવારજનો અજાણ હોવાથી રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપી નિર્દોષ જાહેર સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં રાજકોટની સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. તા. 1 ઓગસ્ટ 2025ના રોજ ફરીયાદીએ પોતાની સગીર વયની બહેનને જયદીપ ઉર્ફે રાહુલ ભનુભાઈ જીંજરીયાએ બ્લેકમેઈલ કરી ધમકી આપી તેની મરજી વિરૂધ્ધ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી બદ ઈરાદે અપહરણ કરી તેમના મિત્રના ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધી અને જે બાબતનો વીડિયો બનાવી કોઈને વાઈરલ કરવાની ધમકી આપી હોવાની રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી જયદીપ ઉર્ફે રાહુલની ધરપકડ કરી હતી. ચાર્જશીટ બાદ કેસ ચાલી જતા આરોપીના એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયાએ દલીલો કરી હતી કે, આરોપી ઉપર ખોટો ખાર રાખી, અગાઉથી પોલીસને દ્વેષ હોય જેથી ખોટી તેમજ ઉપજાવી કાઢેલી હકીકતોવાળી આરોપી વિરૂધ્ધ ફરીયાદ કરાવવામાં આવી છે. ફરીયાદ પક્ષ ફરીયાદ પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે જે ધ્યાને લઈ કોર્ટે આરોપી જયદીપ ઉર્ફે રાહુલને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે.