કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટ આવ્યા હતા. જ્યાં પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતુ કે, વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનું રહ્યું હતું. આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ ઇન્વેસ્ટ કરીને 4 કરોડ રોજગારીનું નિર્માણ કરવામાં આવશે. જેમાં દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રિમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઇન્ટર્નશીપ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માંડવીયાને આવકારવા માટે પૂર્વ અને વર્તમાન મેયર, એક ધારાસ્ભય અને જિ. પંચાયત પ્રમુખ જ આવ્યા હતાં. ભાપજના અન્ય નેતાઓ દેખાયા પણ ન હતા.
અહીં માંડવિયાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં કૌશલ્ય નિર્માણ માટે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેની સમીક્ષા આજે થવાની છે. 1 કરોડ યુવાનો પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇન્ટર્નશીપ કરે એટલે કે ત્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ કરી શકે. તેઓ જ્યારે કંપનીમાં નોકરી કરવા માટે જશે, ત્યારે ઇન્ટરનેશનલ કક્ષાનું વર્ક કલ્ચર ડેવલપ થશે. આ સાથે જ દેશના યુવાનોને રોજગારી માટે સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળશે. જે માટે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં 30 લાખ કંપનીઓ આ પોર્ટલ ઉપર જોડાઇ છે. જેમાં કંપનીઓને જે પ્રકારની સ્કીલ ની જરૂરિયાત હોય તે બાબતની માહિતી અપલોડ કરે છે અને જે યુવાનો પાસે આ સ્કિલ હોય તેઓ તેમાં રજીસ્ટ્રેશન કરાવી તે કંપની સાથે જોડાઈ શકે છે.