રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ફરજ બજાવતાં શિક્ષકને તેની પત્નીએ અજાણ્યા ઈ-મેઈલ આઈડી ઉપરથી ધમકી ભર્યો ઈ-મેઈલ કરી તેનાં અને તેના પરિવારના સભ્યોના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ ઈ-મેઈલમાં મહિલાઓ પ્રત્યે અભદ્ર અને અશ્લિલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ બનાવ અંગે શિક્ષકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઈ-મેલમાં પરિવારને હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી રાજકોટની કેન્દ્રીય વિદ્યાલય ક્વાર્ટરમાં રહેતાં અને સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય શિક્ષકે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા ઇ-મેઇલ આઈડી ધારકનું નામ આપ્યું છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, તેઓ સરકારી ક્વાર્ટર્સમાં ઓક્ટોમ્બર 2021થી રહે છે અને સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે. તેઓના લગ્ન વર્ષ 2020માં થયા હતાં. હાલ બન્ને વચ્ચે મન દુઃખ થતા તેણી તેમના માતા-પિતાના ઘરે રહે છે.
ગત તા.06.10.2025ના તેઓ ઘરે હતાં ત્યારે તેમના જી-મેઈલ આઈડી પર કોઈ અજાણ્યા જી-મેઇલ આઇડી godk0531gmail.com પરથી એક અત્યંત ભયાનક અને વાંધાજનક લખાણ વાળો ઈ-મેઈલ મળ્યો હતો. જેમા મેઇલ કરનાર વ્યક્તિએ પોતાને અંતે અનામી તરીકે દર્શાવી તેમને અને પરિવારને સ્પષ્ટ શબ્દોમાં હાથ-કાપી પગ તોડી નાખવાની જેવી ગંભીર શારીરિક ઈજા પહોંચાડવાની ધમકીઓ આપી છે.