કેનેડામાં પંજાબી છોકરીઓ ગ્રૂમિંગ ગેંગના નિશાન પર છે. આ ગેંગ સ્ટડી વિઝા પર આવેલી યુવતીઓને અનેક પ્રકારની લાલચ આપીને ફસાવે છે. પછી તેમને સાથે સૂવા માટે મજબૂર કરે છે. આ માટે યુવકોએ બકાયદા વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે. આવો જ એક યુવક આ ગ્રુપમાંથી બહાર નીકળ્યો ત્યારે તેણે તેની આખી કહાણી કહી દીધી.
કેનેડામાં ધ કૌર મૂવમેન્ટના સ્થાપક ગુરપ્રીત કૌરે કેનેડાના એક રેડિયો ચેનલ પર આનો ખુલાસો કર્યો. ગુરપ્રીતે કહ્યું કે, આમાં માત્ર યુવકો જ નહીં પરંતુ ઘરના માલિકો એટલે કે લેન્ડલોર્ડ, રેસ્ટોરાંના માલિકો કે મેનેજર ઉપરાંત કંપનીના લોકો પણ સામેલ છે.
તેઓ ક્યારેક ફી ચૂકવવા-ભાડું માફ કરવાની લાલચ આપે છે તો ક્યારેક નોકરી આપવાની, જેના ચક્કરમાં યુવતીઓ ફસાઈ જાય છે. એટલું જ નહીં, તેમના બિલ ભરવાની લાલચ પણ આપવામાં આવે છે. જો કોઈ ન માને તો તેને ઘર કે દેશમાંથી કાઢી મૂકવાનો ડર પણ બતાવવામાં આવે છે.
ધ કૌર મૂવમેન્ટના સ્થાપક ગુરપ્રીત કૌર જણાવે છે કે સરે અને ટોરોન્ટો જેવા શહેરોમાં વોટ્સએપ પર આવા વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યા છે જેમાં લગભગ 150 છોકરાઓ સામેલ છે. આ ગ્રુપ્સનો એજન્ડા એવી પંજાબી છોકરીઓને નિશાન બનાવવાનો છે જેઓ આર્થિક રીતે નબળી છે અથવા વિદેશમાં એકલી રહી રહી છે. આ છોકરાઓ અવારનવાર કોલેજોમાં મિત્ર બનીને છોકરીઓની નજીક આવે છે અને તેમની પર્સનલ જાણકારી એકઠી કરે છે.
આ પછી તેઓ તે માહિતીને પોતાના ગ્રુપમાં શેર કરે છે. તેમના માટે છોકરીઓનું શોષણ એક રમત બની ગયું છે. ગુરપ્રીત કૌરે જણાવ્યું કે છોકરાઓનો હેતુ એવી છોકરીઓને નિશાન બનાવવાનો છે જેઓ એકલી આવી છે. તેમને કોઈ ફરક પડતો નથી, તેઓ ફક્ત તમારી સાથે સૂવા માંગે છે. તેમનો મુખ્ય હેતુ એ જ હોય છે કે તેઓ તમારી સાથે સૂવે અથવા તો આ એક એવી રમત બનાવેલી છે કે ચાલો જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ.