રોશનીના પર્વને શહેરીજનો માણી શકે તેવા હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગરોડ ફરતે રોશની અને ડેકોરેશન કરી દિવાળી કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે. આ કાર્નિવલને રવિવારે ખુલ્લો મુકાયો હતો. આ કાર્નિવલ અંતર્ગત કરાયેલી રોશનથી રેસકોર્સ રિંગરોડ જાણે કેડબરીની કુલ્ફી હોય તેવો ભાસી રહ્યો છે. રોશનીનો ઝગમગાટ માણવા રવિવારે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. આગામી શુક્રવાર સુધી રેસરોર્સ રિંગરોડ પર રંગોળી સહિતના અનેક કાર્યક્રમો યોજાવાના છે. આ વખતે સુશોભન વાળા ગેટ ઉપરાંત સાઈડમાં પણ લોકો જોઈને અચંબિત થઈ જાય તેવી રોશનીથી શણગાર કરાયો છે.
દિવાળી ઉત્સવ અંતર્ગત તા.29ના રેસકોર્સ રિંગરોડ પર રંગોળી સ્પર્ધા યોજાશે. આ રંગોળી નિહાળવા જાહેર જનતા માટે તા.30 અને 31 એમ બે દિવસ ખુલ્લી મુકવામાં આવશે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળી બનાવનારને ઈનામો પણ આપવામાં આવશે. આ ઉપરાંત ધનતેરસે રેસકોર્સના માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.