દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું- મિત્રો, હું જેલમાંથી સીધો આવું છું. અત્યારે હું અને મારો પરિવાર હનુમાનજી, શિવજી અને શનિ મહારાજની પૂજા કરીને આવ્યા છીએ. હનુમાનજીની આપણા પર વિશેષ કૃપા છે. બજરંગબલીની કૃપાથી જ હું અચાનક તમારી વચ્ચે આવ્યો છું. મારા આવવાની કોઈને અપેક્ષા નહોતી.
કેજરીવાલે કહ્યું- આપણી આમ આદમી પાર્ટી નાની પાર્ટી છે. બે રાજ્યની અંદર છે. હજી S 10 વર્ષ જૂની પાર્ટી છે. વડાપ્રધાને એને કચડી નાખવા અને ખતમ કરવામાં કોઈ કમી રાખી નથી. એકસાથે અમારી પાર્ટીના 4 મોટા નેતાને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
કેજરીવાલે કહ્યું- મોદીજીએ અડવાણી, મુરલી મનોહર, સુમિત્રા મહાજન, શિવરાજ, વસુંધરા રાજે, ખટ્ટર, રમણ સિંહની રાજનીતિ ખતમ કરી નાખી છે. હવે યોગીનો વારો છે. જો ચૂંટણી જીત્યા તો 2 મહિનામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બદલાઈ જશે. આ તાનાશાહી છે. વન નેશન-વન લીડર. તેઓ ઈચ્છે છે કે દેશમાં એક જ તાનાશાહ રહે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે પ્રાચીન હનુમાનજીના મંદિર પહોંચ્યા હતા. કેજરીવાલે પત્ની સુનીતા સાથે હનુમાનજીની પૂજા કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ પછી કેજરીવાલ આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર પહોંચીને પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી.