દિલ્હી હાઇકોર્ટે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીપદેથી હટાવવાની માગ કરતી અરજી પર આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સંદીપ કુમારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે તેઓ અહીં રાજકીય ભાષણ ન આપે, આ માટે તેમણે રસ્તા કે પાર્લરમાં જવું જોઈએ. કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટ ધરપકડ અને કસ્ટડીને પડકારતા કેસમાં નિરાશા થઈ હતી અને ત્યાર બાદ બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોની માગણી કરતી અરજીમાં નિરાશા હાથમાં આવી હતી. બપોરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવા પણ કેજરીવાલને રાહ જોવી પડશે એવા સમાચાર આવ્યા. દિલ્હી CMએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. જોકે કેજરીવાલની અરજી પર SCમાં તાત્કાલિક સુનાવણી થશે નહીં.
તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને કસ્ટડીને કાયદેસર બનાવી દીધી હતી અને તેમની દલીલોને ફગાવી દેવાની સાથે તેમની અરજી પણ ફગાવી દીધી હતી. એ બાદ બુધવારે સવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વકીલોને લગતી કેજરીવાલની બીજી અરજી પણ ફગાવી દીધી હતી. આ અરજીમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માગ કરી હતી. હાલમાં કેજરીવાલ પોતાના વકીલોને અઠવાડિયામાં માત્ર બેવાર જ મળી શકે છે.
કેજરીવાલની કાનૂની ટીમે બુધવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મળતી માહિતી મુજબ, કેજરીવાલે સુનાવણી માટે આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. ગુરુવારે ઈદ, શુક્રવારે સ્થાનિક રજા અને પછી શનિવાર-રવિવારની રજાઓ છે. આવી સ્થિતિમાં અત્યારે ન તો સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ બેન્ચની રચના થશે અને ન તો સોમવાર પહેલાં સુનાવણી થવાની કોઈ શક્યતા છે. હવે સોમવાર સુધી સુનાવણી થવાની શક્યતા નથી.