મહાનગરપાલિકા દ્વારા કેકેવી મલ્ટિલેવલ ઓવરબ્રિજ હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ આ ગેમ ઝોનમાં તકેદારીના તમામ પગલાં લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર બ્રિજ નીચે ગેમ ઝોનથી સર્વિસ રોડ પર દોડતા વાહનો સાથે રાહદારીઓ અને ગેમ ઝોનમાં આવતા લોકોના અકસ્માત સર્જાવાની ભીતિ તેમજ કોઇ વાહનચાલક જો કાબૂ ગુમાવે તો ગેમ ઝોનમાં ઘૂસી જઇ મોટી દુર્ઘટના થવાની ભીતિ જાણકારોએ વ્યક્ત કરી હતી અને આ ગેમ ઝોનથી ભાજપના પણ અમુક પદાધિકારીઓ અંદરખાને નારાજ હતા. ગેમ ઝોનના વિરોધમાં કોંગ્રેસે પણ વેપારીઓને સાથે વિરોધ દર્શાવતા કાર્યક્રમો આપ્યા હતા.
ત્યારબાદ કોઇ નેતા ગેમ ઝોનનું ઉદઘાટન કરવા તૈયાર ન થતા મહાનગરપાલિકાએ ખાનગી એજન્સીને તેનું સંચાલન સોંપવા સાવ સસ્તા દરે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જેમાં માત્ર એક જ એજન્સીએ ટેન્ડર ભર્યું હતું. જેના પરિણામે મહાનગરપાલિકાએ નિયમ મુજબ ઓછામાં ઓછી બે એજન્સી જરૂરી હોવાથી ટેન્ડર પ્રક્રિયા રદ કરી નવેસરથી રિ-ટેન્ડર કરવા પ્રક્રિયા હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા કેકેવી ચોક બ્રિજ નીચે બનાવેલા ગેમ ઝોન પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરી અનેક ગેમ મૂકી છે અને તેના થકી જે એજન્સી સંચાલન સંભાળશે તેને મહિને લાખો રૂપિયાની આવક થવાનો અંદાજ છે ત્યારે લાગતા વળગતાને મામૂલી ભાડે ગેમ ઝોન દેવા જ તખતો ગોઠવાયાની પણ ચર્ચા મનપાના આંતરિક વર્તુળોમાં થઇ રહી છે.