કુખ્યાત ‘ઇભલા ગેંગ’ પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામતી પોલીસ, છ આરોપીઓ સકંજામાં; હજુ ત્રણ ગેંગ સામે કાર્યવાહીનાં નિર્દેશ

ગુજરાત સરકાર દ્વારા સંગઠિત ગુનાખોરીને ડામવા માટે અમલમાં મુકાયેલા કડક કાયદા ‘ગુજસીટોક’ (GCTOC) હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી કુખ્યાત ‘ઇભલા ગેંગ’ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગેંગના સૂત્રધાર સહિતનાં બે હાલ જેલમાં છે. જ્યારે અન્ય ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. તેમજ રાજકોટમાંથી ‘ગુંડારાજ’નો સફાયો કરવા માટે આગામી દિવસોમાં વધુ 3 ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનાં નિર્દેશ પોલીસે આપ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટના બી-ડિવિઝન વિસ્તારમાં સક્રિય એવી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો છે. આ ગેંગના સાગરીતો પોતાની ધાક જમાવવા માટે લાંબા સમયથી ગંભીર ગુનાઓ આચરતા હતા. પોલીસ રેકોર્ડ મુજબ, આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગના સભ્યો દ્વારા આચરવામાં આવેલા મુખ્ય ગુનાઓમાં હત્યાની કોશિશ 4 ગુના, લૂંટ અને અપહરણનાં 5 ગુના, રાયોટિંગ (ગે.કા. મંડળી)નાં 11 ગુના, છેડતીનો 1 ગુનો, મારામારીનાં 29 ગુના ઉપરાંત અન્ય એટ્રોસીટી એક્ટ, પ્રોહિબિશન (દારૂ), જુગાર અને આર્મ્સ એક્ટ (ગેરકાયદે હથિયાર) હેઠળના પણ અનેક ગુનાઓ આ ગેંગના નામે નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *