કુંવરજી બાવળીયાની સિંચાઈના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક

રાજકોટ શહેરમાં આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રને લગતા પાણીના પ્રશ્નો અંગે ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં ખાસ બજેટ સત્ર શરૂ થશે તો ક્યાં ક્યાં કામોને બજેટમાં આવરી શકાય તે માટે સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી વિધાનસભામાં વિગતવાર ચર્ચા કરી જરૂરિયાત જણાય તો બજેટમાં આવરી લઇ કામગીરી આગળ વધારવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલમાં શિયાળુ પાકને લઇ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને શિયાળુ પાક માટે કોઈ મુશ્કેલી ન હોવાનું અને જ્યાં જરૂરિયાત જણાશે અને જ્યાંથી માગ આવશે ત્યાં પાણી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું હોવાનો દાવો મંત્રી બાવળીયા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટ ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે એક રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌની યોજનાને લઈ લિંક 1 અને લિંક 3 તેમજ 4ને લગતી બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં જ્યા જ્યાં જરૂરી છે ત્યાં પાણી પહોંચાડવા માટે આજની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ્યાં-જ્યાં ખેડૂતોની માંગણી આવે ત્યાં તળાવોને જોડવા અને પાણી પહોંચાડવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઇ યોજનાઓ, અન્ય નવીનીકરણ અને રીપેરીંગ સહિતના મુદ્દે અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખી વિગતો પણ મેળવી છે. પાણીની કોઈપણ મુશ્કેલી હોય તો તેને તાત્કાલિક ધોરણે નિવારવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *