રેલનગરમાં ભાગીદારીમાં ડેરી ચલાવતા બે યુવકે ધંધા માટે રૂ.6.70 લાખ વ્યાજે લીધા હતા જેની સામે વ્યાજખોરને રૂ.27 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર વધુ નાણાંની માંગ કરી કિડની વેચીને પૈસા આપવા પડશે તેવી ધમકી આપે છે. નાણાં વસૂલવા સાગરીતોને મોકલીને ધમકાવે છે.
રેલનગરમાં શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશિપમાં રહેતા અને રેલનગરમાં જ ‘વી ફોર’ નામની ડેરી ચલાવતા નિલેશભાઇ શાંતિલાલ હિંડોચા (ઉ.વ.48)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામનાથપરાનો મોહસીન ઉર્ફે એઝાઝ ઉર્ફે બાબર રજાક બ્લોચ, મવડીનો શિવરાજસિંહ, શાહરુખ અને સાહિલના નામ આપ્યા હતા. નિલેશભાઇ હિંડોચાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મિત્ર ભાર્ગવ ભરતભાઇ ભદ્રા સાથે મળી રેલનગરમાં ડેરી શરૂ કરી હતી. વર્ષ 2021માં ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં બંને ભાગીદાર સર્વેશ્વર ચોકમાં ઓફિસ ધરાવતાં અને વ્યાજે નાણાં આપતા એઝાઝ ઉર્ફે બાબર મકરાણી પાસે ગયા હતા અને તેણે રૂ.15 હજાર દરરોજ 100 રૂપિયા વ્યાજ આપવાની શરતે આપ્યા હતા. તે સમયે એઝાઝે પ્રોમિસરી નોટ બનાવી હતી અને બે કોરા ચેકમાં સહી કરાવી હતી. ત્યારબાદ ભાગીદાર બેલડીએ રૂ.25 હજાર, ત્યારબાદ રૂ.3 લાખ વ્યાજે લીધા હતા જેમાં વીકલી રૂ.10 હજાર વ્યાજના આપવાનું નક્કી થયું હતું. વર્ષ 2021થી 2024 સુધીમાં 6.70 લાખ વ્યાજે લીધા હતા જેની સામે રૂ.27 લાખ વ્યાજ સહિત અત્યાર સુધીમાં ચૂકવી દીધા હતા.