કાશીના સ્મશાન મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોની કતારો લાગી છે. ગુરુવારે અંતિમ સંસ્કાર માટે 400થી વધુ મૃતદેહો અહીં પહોંચ્યા હતા. આખી રાત મણિકર્ણિકા ઘાટની ગલીઓમાં જામ રહ્યો હતો. ઘાટ પર અંતિમ સંસ્કાર કરનાર ડોમ પરિવારના સભ્ય ચૌધરીએ જણાવ્યું કે ગરમી વધ્યા બાદ મૃતદેહોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. સામાન્ય દિવસોમાં, 200-250 મૃતદેહો આવતા હતા, પરંતુ ગુરુવારે આ આંકડો બમણો થઈને 400 આસપાસ થઈ ગયો.
ભીડને કારણે મણિકર્ણિકા ઘાટ પરની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ગુરુવારે મધરાતે મૈદાગીનથી મોક્ષદ્વાર સુધી માત્ર મૃતદેહો જ મૃતદેહો દેખાતા હતા. જ્યારે શેરીઓ અને ઘાટોમાં જગ્યા ખુટી પડી ત્યારે મૃતદેહોને એકની ઉપર એક મૂકીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મણિકર્ણિકામાં આખી રાત અંતિમ સંસ્કાર થાય છે. શુક્રવારે વહેલી સવાર સુધી ત્યાં સ્થિતિ આવી જ રહી હતી.
ગુરુવારે રાત્રે, લોકો ઘાટ પર બનેલા પ્લેટફોર્મ પર જેટલા મૃતદેહો સળગતા હતા તેના કરતાં અનેકગણા વધુ મૃતદેહો લઈને લોકો કતારમાં ઊભા હતા. ભીડ જોઈને ઘાટના ડોમે મૃતદેહોને એક કતારમાં ગોઠવી દીધા. જ્યારે જગ્યા ઓછી પડી હતી ત્યારે મૃતદેહની ઉપર મૃતદેહ મૂકવામાં આવ્યા હતા.
ઘાટ પર એક સમયે માત્ર 25 થી 30 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ થતું જતું હતું. કાશીની આસપાસના જિલ્લાઓમાંથી મૃતદેહ લાવનાર પરિવારના સભ્યોને અંતિમ સંસ્કાર માટે 5-5 કલાક રાહ જોવી પડી હતી. આ જ કારણ હતું કે મૃતદેહોની સંખ્યા અને લોકોની ભીડ બંનેમાં વધારો થયો હતો.